- કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્રની કમર તૂટી
- કોરોનાની મહામારીને કારણે 1 કરોડથી વધુ લોકો બન્યા બેરોજગાર
- મહામારી દરમિયાન 97 ટકા પરિવારની આવકને પણ પડ્યો ફટકો
નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે ભારતીય અર્થતંત્ર સંપૂર્ણપણે ખોરવાઇ ચૂક્યું છે અને અર્થતંત્રની કમર તૂટી ચૂકી છે. હાલના આંકડા અનુસાર ભારતમાં કોરોનાની મહામારીને કારણે 1 કરોડથી વધુ લોકો બેરોજગાર થયા છે.
CMIEએ જાહેર કરેલા આંકડાઓ અનુસાર ભારતમાં 1 કરોડ લોકો કોરોનાની બીજી લહેરને કારણે બેરોજગાર બન્યા છે. તે ઉપરાંત કોરોના મહામારીની શરૂઆતથી લઇને અત્યારસુધી લગભગ 97 ટકા પરિવારની આવકને ફટકો પડ્યો છે અને આવક ઘટી ગઇ છે.
CMIEના ચીફ એક્ઝિક્યુટિવ મહેશ વ્યાસ અનુસાર, મે મહિનામાં બેરોજગારી દર 12 ટકા સુધી પહોંચી શકે છે. જે એપ્રિલમાં 8 ટકા પર હતો. તે સમયે લગભગ 1 કરોડ લોકો બેરોજગાર થયા છે. જેનું મુખ્ય કારણ કોરોનાની બીજી લહેર છે. આર્થિક ગતિવિધિઓ પૂર્વવત થાય તો સમસ્યા થોડી હળવી થઇ શકે છે.
જે લોકોની નોકરી ગઇ છે તે લોકોને ફરીથી રોજગારી મેળવવામાં પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે ઇન્ફોર્મલ સેક્ટર તો અમુક હદ સુધી રિકવર કરી રહ્યો છે. પરંતુ ફોર્મલ સેક્ટર અને સારી ક્વોલિટીની નોકરી છે તે ક્ષેત્રમાં હજુ મોડું થઇ શકે છે.
આપને જણાવી દઇ કે ગત વર્ષે જ્યારે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું ત્યારે મે 2020માં બેરોજગારીનો દર 23.5 ટકા નોંધાયો હતો. જો કે આ વર્ષે કોરોનાની બીજી ઘાતક લહેરને કારણે કેટલાક રાજ્યોમાં આંશિક લોકડાઉનથી માંડીને અન્ય નિયંત્રણો લાગૂ કરવામાં આવ્યા છે જેના કારણે પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે.
જો બેરોજગારી દર 3-4 ટકા સુધી રહે તો તે ભારતીય અર્થતંત્ર માટે સામાન્ય ગણવામાં આવશે. CMIEએ લગભગ 17.5 લાખ પરિવારનો સર્વે કર્યો છે. જેમાં પરિવારની આવકને લઇને જાણકારી લેવામાં આવી હતી.