- કોરોના મહામારી દરમિયાન દેશમાં રોજગારની સ્થિતિ વધુ વણસી
- ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં દેશમાં રોજગારમાં ઘટાડો નોંધાયો
- ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રોજગારમાં 2.8 ટકાનો ઘટાડો
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે ભારતીય અર્થતંત્ર તો પ્રભાવિત થયું જ છે, પરંતુ સાથોસાથ દેશમાં ધંધા અને રોજગાર પર પણ વિપરીત અસર પડી છે. ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના સતત ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશમાં રોજગારમાં ઘટાડો નોંધાયો છે. થિંક ટેંક સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના એક અભ્યાસ અનુસાર ઑક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં રોજગારમાં 2.8 ટકાનો ઘટાડો થયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, માર્ચમાં શરૂ થયેલા લોકડાઉનને કારણે નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં રોજગારની સ્થિતિ ખૂબ જ કથળેલી હતી. આ સમય દરમિયાન રોજગાર દર ઘટીને 18.4 ટકા નીચે આવી ગયો હતો. જો કે અનલોકની પ્રવૃત્તિ બાદ પરિસ્થિતિમાં થોડાક અંશે સુધારો જોવા મળ્યો હતો અને રોજગાર દરમાં ઘટાડો 2.6 ટકા પર આવ્યો હતો.
CMIE અનુસાર સરકારને અપેક્ષા હતી કે ચાલુ નાણાકીય વર્ષના બીજા ભાગમાં અર્થતંત્રમાં સુધાર થશે. પરંતુ તેની અસર માર્કેટમાં નોકરી પર દેખાતી નથી. દેશના વાસ્તવિક જીડીપીમાં અગાઉના નાણાકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના છ માસિક ગાળાની તુલનામાં આ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં 15.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
નાણાકીય વર્ષ 2019-20માં દેશમાં કુલ રોજગારનો 32 ટકા હિસ્સો શહેરી વિસ્તારોનો હતો. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડિસેમ્બર 2020ના અંત સુધીમાં શહેરી વિસ્તારોમાં 34 ટકા નોકરીઓ ઓછી થઈ છે. એ જ રીતે, દેશના કુલ કર્મચારીઓમાં મહિલાઓની ભાગીદારી માત્ર 11 ટકા છે, પરંતુ આ વચ્ચે 52 ટકા નોકરીઓમાં ઘટાડો થયો છે.
દેશમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના યુવાનોની પણ રોજગારની સ્થિતિ સારી નથી. દેશના કુલ કર્મચારીઓમાં તેમની ભાગીદારી 2019-20 દરમિયાન 13 ટકા હતી, પરંતુ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ડિસેમ્બરના અંત સુધીમાં તેમનો રોજગાર દર 65 ટકા છે.
(સંકેત)