- કોરોના મહામારીને કારણે ઉત્પાદન મામલે દેશને થયું નુકશાન
- RBIએ એક અહેવાલમાં આ ખુલાસો કર્યો
- લોકડાઉનને કારણે ઘરેલુ માંગને પણ અસર થઇ છે
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીને કારણે દેશના અર્થતંત્રને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે અને બીજી લહેરથી ઉત્પાદન મામલે દેશને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રિઝર્વ બેંકના એક અહેવાલમાં જણાવ્યું છે કે, ગત વર્ષે દેશવ્યાપી લોકડાઉન પછી બીજી લહેરને અટકાવવા માટે રાજ્ય સ્તરે લગાવવામાં આવેલ લોકડાઉનને કારણે અસર ઘરેલુ માંગમાં રહી છે.
તે ઉપરાંત આ લહેરની અસર નાના શહેરો તેમજ ગામડાઓ પર પણ પડી છે. તેનાથી ગ્રામીણ માંગ પર પ્રતિકૂળ અસર પડી છે. સરકારી ખર્ચથી ગત વર્ષે જે અસાધારણ તેજી જોવા મળી હતી. આ વખતે તેવી સ્થિતિ રહે એવી સંભાવના નથી.
આર્ટીકલમાં કહેવામાં આવ્યું છે કે, સારી બાબત એ છે કે પુરવઠાની સ્થિતિ સંબંધિત ઘણી બાબતોમાં પરિસ્થિતિ વધુ સારી છે. આમાં કૃષિ અને સંપર્ક વિનાની સેવાઓ (ડિજિટલ સર્વિસ) શામેલ છે જે મહામારી વચ્ચે પોતાનું કામ કરી રહી છે. ત્યારે, ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસમાં વધારો થયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, COVID-19 રસીકરણની ગતિ અને સ્કેલ આગામી સમયમાં આર્થિક રિકવરીનો માર્ગ નક્કી કરશે. રોગચાળો અને પહેલાથી અસ્તિત્વમાં રહેલા ચક્રીય અને માળખાકીય અવરોધને દૂર કરવા માટે અર્થતંત્રમાં જરૂરી ક્ષમતા અને શક્તિ છે.
વધુમાં જણાવવામાં આવ્યું છે કે, રસીકરણ પોતે મહામારીને ખતમ નહિં કરે. આપણે વાયરસ સાથે જીવવું પડશે, વેક્સીન સાથે સ્વાસ્થ્ય સેવાઓ, લોજિસ્ટિક અને રિસર્ચ ક્ષેત્રે રોકાણ વધારવાની જરૂર છે. આર્ટીકલ અનુસાર, મહામારી વાસ્તવિક પરિણામો સાથે એક વાસ્તવિક ઝટકો છે.