ભારતમાં 2,118 બેન્કિંગ શાખાઓ બંધ કરાઇ, હવે માત્ર 12 સરકારી બેંક રહી: RTIમાં થયો ખુલાસો
- બેંકોની શાખાઓની સંખ્યાને લઇને એક RTIમાં થયો ખુલાસો
- બેંકોની કુલ 2,118 બેન્કિંગ શાખાઓ કાયમ માટે બંધ કરવામાં આવી
- મર્જરની પ્રક્રિયાને કારણે બેંક ઑફ બરોડાની મહત્તમ 1283 શાખાઓ સમાપ્ત થઇ
નવી દિલ્હી: છેલ્લા કેટલાક સમયથી ભારત સરકાર દ્વારા અત્યારસુધી અનેક બેંકોનું મર્જર કરવામાં આવ્યું છે અને અનેક બેન્કિંગ શાખાઓ બંધ થઇ ચૂકી છે. એક RTIમાં ખુલાસો થયો છે કે બેંકોની કુલ 2,118 બેન્કિંગ શાખાઓ કાયમ માટે બંધ કરવામાં આવી છે અથવા તેમનું બીજી બેંક શાખાઓમાં વિલીનીકરણ કરવામાં આવ્યું છે.
RTIના કાર્યકર ચંદ્રશેખર ગૌરે કરેલી RTI બાદ રિઝર્વ બેંકે તેના જવાબમાં જણાવ્યું છે કે નાણાકીય વર્ષ 2020-21માં શાખા બંધ અથવા મર્જરની પ્રક્રિયાને કારણે બેંક ઑફ બરોડાની મહત્તમ 1283 શાખાઓ સમાપ્ત થઇ છે.
મર્જર પ્રક્રિયા સાથે SBIની 332, પંજાબ નેશનલ બેંકની 169, કેનેરા બેંકની 107, યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના 124, ઓવરસીઝ બેંકના 53, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 43, ભારતીય બેંકના પાંચ અને મહારાષ્ટ્ર અને સિંધ બેંકની પ્રત્યેક એક-એક શાખા બંધ હતી.
RTI હેઠળ ખુલાસો થયો હતો કે નાણાકીય વર્ષ 2020-21માં બેંક ઓફ ઇન્ડિયા અને યુકો બેંકની કોઇપણ શાખા બંધ કરવામાં આવી ન હતી, જે 31 માર્ચે સમાપ્ત થઇ હતી.
રિપોર્ટિંગ સમયગાળા દરમિયાન આ બેંકોની કેટલી શાખાઓ કાયમ માટે બંધ રહી હતી અને કેટલી શાખાઓ અન્ય શાખાઓ સાથે મર્જ થઈ હતી તે વિગતોમાં સ્પષ્ટ નથી.
જાહેર ક્ષેત્રની 10 બેંકોની શાખાઓ બંધ કરવા અથવા અન્ય શાખાઓમાં મર્જ કરવાનું કોઇ કારણ આપવામાં આવ્યું નથી. પરંતુ 1 એપ્રિલ, 2020 થી જાહેર ક્ષેત્રની બેંકોની મહાવિલય યોજના લાગૂ થયા પછી શાખાઓની સંખ્યાના તર્કસંગતકરણને સૌથી મોટું કારણ મનાય છે.
ઉલ્લેખનીય છે કે ગયા નાણાકીય વર્ષમાં સરકારે 10 સરકારી બેંકોને જોડીને તેમને ચાર મોટી બેંકોમાં પરિવર્તિત કરી હતી. આ પછી સરકારી ક્ષેત્રની બેંકોની સંખ્યા ઘટીને 12 થઈ ગઈ છે.
(સંકેત)