Site icon Revoi.in

માર્ચ ક્વાર્ટરમાં કંપનીઓએ IPO મારફતે 2.5 અબજ ડોલર એકત્ર કર્યા

Social Share

નવી દિલ્હી: કોરોના સંકટ કાળ વચ્ચે પણ ભારતીય શેરબજારનો ઘોડો તેજીમાં દોડ્યો છે. આ બુલરનમાં જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 22 કંપનીઓએ આઇપીઓ મારફતે 2.5 અબજ ડોલર એકત્ર કર્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કન્ઝ્યુમર ગુડ્સ અને રિટેલ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ્સ, ઑટોમોટિવ અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટરની કંપનીઓએ IPO લાવવામાં રૂચિ દર્શાવી છે. આ આઇપીઓ મેઇન પ્લેટફોર્મ ઉપરાંત SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ થયા છે. મૂડીબજારમાં તેજીના ટ્રેન્ડ વચ્ચે અનેક કંપનીઓ IPO માર્કેટમાં આવી અને આ ટ્રેન્ડ આગામી ક્વાર્ટર દરમિયાન પણ ચાલુ રહે તેવી અપેક્ષા છે.

વર્ષ 2021માં IPOની સંખ્યાની દ્રષ્ટિએ ભારત વૈશ્વિક સ્તરે નવમાં સ્થાન પર છે.

રિપોર્ટ અનુસાર, પહેલા ત્રિમાસિક ગાળામાં 22 આઇપીઓ મારફતે કંપનીઓએ કુલ 257.04 કરોડ ડોલર એકત્ર કર્યા છે. તેમાંથી પાંચ IPO એસએમઇ સેગમેન્ટના હતા.

માર્ચ ક્વાર્ટરમાં 63.4 કરોડ ડોલરની સાથે ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (આઇઆરએફસી)નો આઇપીઓ સૌથી મોટો હતો. મેઇન માર્કેટમાં 2021ના પ્રથમ ક્વાર્ટરમાં 17 IPO આવ્યા. વર્ષ 2020ના પ્રથમ ક્વાર્ટરમાં એક અને ચોથા ક્વાર્ટરમાં 10 IPO આવ્યા હતા. આવી રીતે બીએસઇ અને એનએસઇ ખાતે પાછલા વર્ષના સમાન ક્વાર્ટરની તુલનાએ IPOમાં 1600 ટકાની વૃદ્ધિ થઇ જ્યારે ચોખા ક્વાર્ટરની તુલનામાં 70 ટકાનો વધારો થયો છે.

એસએમઇ સેગમેન્ટમાં પ્રથમ ક્વાર્ટરમાં 5 IPO આવ્યા છે. પાછલા વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં 11 અને ચોથા ક્વાર્ટરમાં નવ IPO આવ્યા હતા.

(સંકેત)