- મોદી સરકારે રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજનામાં 25 એરપોર્ટને સામેલ કર્યા
- દેશના આ 25 એરપોર્ટનું પણ ખાનગીકરણ કરાશે
- વારાણસી, ભુવનેશ્વર, નાગપુર સહિતના એરપોર્ટ્સ ખાનગી હાથમાં જશે
નવી દિલ્હી: દેશમાં હવે લોકો આરામદાયક સફર માટે વિમાનમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે. હવે તો સામાન્ય નાગરિકો પણ પ્લેનમાં મુસાફરી કરતા થયા છે. દેશમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક સતત વધી રહ્યો છે. આ વર્ષે નવેમ્બર મહિના દરમિયાન જ 1.05 કરોડ લોકોએ હવાઇ મુસાફરી કરી હતી. વાર્ષિક સ્તરે આ સંખ્યા 64 ટકા વધારે છે.
એક તરફ જ્યારે મુસાફરોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે બીજી તરફ આ ઘસારાથી સરકાર માટે એક નવો માર્ગ એટલે કે કમાણી માટેની તક ઉભી થઇ છે. સરકાર પોતાની રાષ્ટ્રીય મુદ્રીકરણ યોજનામાં 25 એરપોર્ટને સામેલ કર્યા છે. અર્થાત્ કે દેશભરના 25 એરપોર્ટનું ખાનગીકરણ કરવામાં આવશે.
આ એરપોર્ટ્સનું થશે ખાનગીકરણ
વારાણસી, ભુવનેશ્વર, ઇન્દોર, રાયપુર, નાગપુર, પટના, સુરત, રાંચી, ચેન્નાઇ, ભોપાલ અને દહેરાદૂન એરપોર્ટ્સ ખાનગી કંપનીઓના હાથમાં જશે. આ પૈકી વારાણસી, ભુવનેશ્વર, ઇન્દોર, રાયપુર અને ત્રિચી એરપોર્ટનું બ્રાઉનફિલ્ડ PPP મોડલ પર મુદ્રીકરણ કરાશે.
તે ઉપરાંત કોઇમ્બતુર, નાગપુર, પટના, મદુરાઇ, સુરત, રાંચી, કાલિકટ, જોધપુર જેવા એરપોર્ટની કમાન પણ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે. આ પછીના નાણાકીય વર્ષ 2023-24માં ચેન્નાઇ, વિજયવાડા, તિરુપતિ, વડોદરા, ભોપાલ, હુબલી એરપોર્ટનો નંબર આવશે. તે ઉપરાંત દહેરાદૂન, ઉદયપુર, રાજમુંદ્રી, અગરતલા, ઇમ્ફાલ એરપોર્ટનું પણ ખાનગીકરણ હાથ ધરાશે.