Site icon Revoi.in

વીમા સેક્ટરમાં FDIની મર્યાદા 74 ટકા કરતાં બિલ રાજ્યસભામાં પાસ

Social Share

નવી દિલ્હી: વર્ષ 2015માં વીમા સેક્ટરમાં વિદેશી રોકાણની મર્યાદા વધારવામાં આવ્યા પછી આ સેક્ટરમાં અત્યારસુધીમાં 26,000 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે તેમ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે એક નિવેદનમાં જણાવ્યું હતું.

ઇન્સ્યોરન્સ બિલ, 2021ની ચર્ચા દરમિયાન નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, વીમા કંપનીઓ નાણા પ્રવાહિતાનો સામનો કરી રહી હોવાથી સરકાર આ સેક્ટરમાં FDIની મર્યાદા વધારવાનો નિર્ણય લીધો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વીમા સેક્ટરમાં FDIની મર્યાદા 49 ટકાથી વધારી 74 ટકા કરવાથી વીમા કંપનીઓને મૂડીની જરૂરિયાત પૂર્ણ થશે.

વીમા સેક્ટર નિયમનકાર IRDAI સાથે ચર્ચા વિચારણા કર્યા પછી વીમા સેક્ટરની મર્યાદા 49 ટકાથી વધારી 74 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત 1લી, ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2021-22નું બજેટ રજૂ કરતી વખતે કરવામાં આવી હતી. હાલમાં વીમા સેક્ટરમાં FDIની મર્યાદા 49 ટકા છે.

આ દરમિયાન આજે રાજ્યસભામાં ઇન્સ્યુરન્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2021ને સંસદની સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલવાની માગ સાથે વિરોધ પક્ષોએ હોબાળો કરતા રાજ્યસભાની કાર્યવાહી ચાર વખત મોકૂફ રાખવાની ફરજ પડી હતી.  જો કે વિરોધ પક્ષના હોબાળા વચ્ચે પણ રાજ્યસભામાં ઇન્સ્યુરન્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2021 ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે ભારતમાં જીડીપીના ફક્ત 3.6 ટકા જ રકમ જીવન વીમાના પ્રીમિયમ પાછળ ખર્ચવામાં આવે છે. આ પ્રમાણ 7.13 ટકાના વૈશ્વિક પ્રમાણથી ખૂબ જ ઓછું છે.

(સંકેત)