1. Home
  2. ગુજરાતી
  3. કોર્પોરેટ ક્ષેત્રે પણ રિકવરીના એંધાણ, એડવાન્સ ટેક્સ કલેક્શન 49 ટકા વધ્યું
કોર્પોરેટ ક્ષેત્રે પણ રિકવરીના એંધાણ, એડવાન્સ ટેક્સ કલેક્શન 49 ટકા વધ્યું

કોર્પોરેટ ક્ષેત્રે પણ રિકવરીના એંધાણ, એડવાન્સ ટેક્સ કલેક્શન 49 ટકા વધ્યું

0
Social Share
  • કોરોના મહામારી અને લોકડાઉનના ચુંગલમાંથી અર્થતંત્ર ફરી પાટે આવી રહ્યું હોવાના સંકેત
  • અર્થતંત્રમાં રિકવરીની સાથોસાથ કોર્પોરેટ સેક્ટરમાં પણ રિકવરીના સંકેતો મળી રહ્યા છે
  • ડિસેમ્બરના ક્વાર્ટરમાં એડવાન્સ ટેક્સ કલેક્શન 49 ટકા વધ્યું

કોરોના મહામારી અને લોકડાઉનથી ફટકો પડ્યા બાદ હવે અર્થતંત્ર ફરીથી પાટે આવી રહ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે અને તે કોર્પોરેટ સેક્ટરમાં પણ રિકવરીના સંકેતો આપે છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સના સૂત્રો પાસેથી પ્રાપ્ત આંકડાઓ અનુસાર ડિસેમ્બર ક્વાર્ટરમાં એડવાન્સ કોર્પોરેટ ટેક્સ કલેક્શન વાર્ષિક તુલનાએ 49 ટકાની તંદુરસ્ત વૃદ્વિ સાથે 1,09,506 કરોડ રૂપિયા નોંધાયું છે.

ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં લો-બેઝને કારણે એડવાન્સ ટેક્સમાં વૃદ્વિ થઇ હોય તેવી શક્યતા છે. સરકારે ગત વર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 25 ટકા રેકોર્ડ કર્યું હતું, જેને પગલે કંપનીઓ દ્વારા ચૂકવેલ ટેક્સની રકમ ઘટી ગઇ હતી. ગત વર્ષે ત્રિમાસિક ગાળામાં એડવાન્સ કોર્પોરેટ ટેક્સ કલેક્શન 73,126 કરોડ રૂપિયા નોંધાયું હતું.

સુત્રોનુસાર, સમિક્ષાધીન સમાન ત્રિમાસિક સમયગાળામાં કુલ વેરાની વસૂલાત 7,33,715 કરોડ નોંધાઇ છે જ્યારે ચોખ્ખી કર વસૂલાત 5,87,605 કરોડ રૂપિયા હતી.

ડિસેમ્બર ક્વાર્ટર દમરિયાન સીબીડીટી દ્વારા કરદાતાઓને 1,46,109 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવવામાં આવ્યુ છે, જે પાછલા નાણાંકીય વર્ષ 2020ના ત્રીજા ક્વાર્ટરના 1,58,988 કરોડ રૂપિયાની તુલનાએ 8.1 ટકા ઓછું છે.

આમ ચાલુ નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન કુલ એડવાન્સ કોર્પોરેટ ટેક્સની વસૂલાત 2,39,125 કરોડ રૂપિયા નોંધાઇ છે જે વાર્ષિક તુલનાએ 4.9 ટકાનો ઘટાડો દર્શાવે છે કારણ કે ચાલુ વર્ષના પ્રથમ બે ક્વાર્ટર દરમિયાન કોરોના મહામારી અને લોકડાઉનને પગલે આર્થિક ગતિવિધીઓ મર્યાદિત રહી હતી.

નોંધનીય છે કે ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં પર્સનલ એડવાન્સ ટેક્સ કલેક્શન વાર્ષિક તુલનાએ 5.6 ટકા ઘટીને 31,504 કરોડ નોંધાયું છે જે વર્ષ પૂર્વેના સમાન ક્વાર્ટરમાં 32,910 કરોડ રૂપિયા હતું. તો પ્રવર્તમાન નાણાંકીય વર્ષે અત્યાર સુધીમાં પર્સનલ એડવાન્સ ટેક્સ કલેક્શન પણ વાર્ષિક તુલનાએ 10.4 ટકા ઘટીને 60,491 કરોડ રૂપિયા નોંધાયું છે.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code