- હવે એર ઇન્ડિયાની ચાર સબસિડરી કંપનીઓનું થશે મોનેટાઇઝેશન
- 14700 કરોડ રૂપિયાથી વધુ કિંમતની જમીન અને બિલ્ડિંગની મોનેટાઇઝિંગની પ્રક્રિયા શરૂ કરાશે
- ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટે આ જાણકારી આપી
નવી દિલ્હી: એર ઇન્ડિયાની કમાન હવે જ્યારે તાતા ગ્રૂપના હાથમાં છે ત્યારે હવે એલાયન્સ એર સહિતની એર ઇન્ડિયાની ચાર સબસિબડરી કંપનીઓ અને 14700 કરોડ રૂપિયાથી વધુ કિંમતની જમીન અને બિલ્ડિંગની મોનેટાઇઝિંગની પ્રક્રિયા શરૂ કરાશે. ડિપાર્ટમેન્ટ ઑફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટના સચિવ તુહિન કાંતાએ આ જાણકારી આપી છે.
આપને જણાવી દઇએ કે છેલ્લા કેટલાક સમયથી એર ઇન્ડિયા દેવાના બોજ હેઠળ દબાયેલી હતી જેને અંતે તાતા ગ્રુપે 18000 કરોડની બોલી લગાવીને ખરીદી લીધી હતી. જેમાં 2700 કરોડ રૂપિયાનું કેશ પેમેન્ટ તેમજ 15,300 કરોડ રૂપિયાથી વધુનું દેવું સામેલ છે.
DIPAAMના પાંડેય અનુસાર એર ઇન્ડિયાની સહાયક કંપનીઓના મોનેટાઇઝેશન અંગે પ્રક્રિયા હવે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. હાલમાં આ સહાયક કંપનીઓ ભારત સરકારની એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ લિમિટેડ પાસે છે.
એર ઇન્ડિયાની ચાર સબસિડરી કંપનીઓમાં એર ઇન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસીસ લિમિટેડ(એઆઇએટીએસએલ), એરલાઇન એલાઇડ સર્વિસિસ લિમિટેડ(એએએસએલ), એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસીસ લિમિટેડ(એઆઇઇએસએલ) અને હોટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, એર ઇન્ડિયા પર કુલ 61,562 કરોડ રૂપિયાનું દેવું છે. જે પૈકી 15,300 કરોડ રૂપિયાનું દેવું તાતા સન્સ હોલ્ડિંગ કંપની ટેલેસ પ્રાઇવેટ લિમિટેડ ચૂકવશે.