- અમૂલ હવે ઊંટના દૂધ બાદ તેમાંથી બનતો આઇસ્ક્રીમ અને મિલ્ક પાઉડર વેચશે
- ઊંટના દૂધમાંથી બનેલો મિલ્ક પાઉડર 8 મહિના સુધી સારો રહેશે
- ગુજરાતમાં આશરે 30 હજાર ઊંટ છે, જેમાંથી મોટાભાગના કચ્છી અને ખરાઈ છે
વડોદરા: ઊંટને રણપ્રદેશમાં સફર કરવા માટેનું વહાણ ગણવામાં આવે છે તેમજ ઊંટડીના દૂધના પણ અનેક ફાયદાઓ છે ત્યારે હવે લાંબુ આયુષ્ય ધરાવતા ઊંટનું દૂધ રજૂ કર્યા બાદ અમૂલ હવે ઊંટના દૂધમાંથી આઇસક્રીમ અને મિલ્ક પાઉડર પણ લૉન્ચ કરવા જઇ રહ્યું છે.
આ અંગે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ કહ્યું હતું કે ‘અમૂલ કેમલ મિલ્ક પાઉડરથી પહેલીવાર દેશના લોકોને ઊંટના દૂધના પોષકતત્ત્વો મળશે, કચ્છના ઊંટના પશુપાલકો પાસેથી ખરીદવામાં આવેલા દૂધમાંથી બનાવેલો મિલ્ક પાઉડર 8 મહિના સુધી સારો રહેશે’.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ‘કચ્છના દૂધ ઉત્પાદકો માટ આ આશીર્વાદરૂપ સાબિત થશે કારણે કે આ દૂધની શેલ્ફ લાઇફ વધારવામાં તેમજ અમૂલના દેશવ્યાપી વિતરણ નેટવર્કના માધ્યમથી તેની ઉપલબ્ધતાને વધારવામાં મદદ કરશે. જ્યારથી ઊંટના દૂધમાંથી પ્રોડક્ટ્સ લૉન્ચ કરવામાં આવી છે ત્યારથી ગુજરાતમાં ઊંટના દૂધના ભાવ બમણા થઇ ગયા છે.
ગુજરાતમાં આશરે 30 હજાર ઊંટ છે, જેમાંથી મોટાભાગના કચ્છી અને ખરાઈ છે. રાજ્ય રબારી, ફકીરાણી જાટ, સામ અને સોઢા સમુદાયના આશરે 1 હજાર ઊંટ સંવર્ધકો માટે ઘર બની ગયું છે.
નોંધનીય છે કે, એપ્રિલ, 2018માં GCMMFએ દૂધી ખરીદી, પ્રક્રિયા અને માર્કેટિંગ માટે કચ્છ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડ્યૂસર્સ યુનિયન લિમિટેડ અથવા સરહદ ડેરી, સહજીવન ટ્રસ્ટ અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠન સાથે MoU કર્યા હતા. કચ્છ મિલ્ક યુનિયન દર મહિને આશરે 70 હજાર લિટર જેટલું ઊંટનું દૂધ ભેગુ કરે છે.
(સંકેત)