- મોંઘવારીનો માર સહન કરેલી જનતાને વધુ એક ડામ
- હવે પંજાબ નેશનલ બેંકે બચત ખાતાના વ્યાજદરો ઘટાડ્યા
- હવે વાર્ષિક 10 લાખ કરતા ઓછી બચત પર માત્ર 2.80 ટકા વ્યાજ મળશે
નવી દિલ્હી: દેશમાં એક તરફ સામાન્ય પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે ત્યારે હવે પંજાબ નેશનલ બેંકે સામાન્ય જનતાને વધુ એક ડામ આપ્યો છે. બેંકે હવે બચત ખાતા પરના વ્યાજદરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. હવે બેંકના ગ્રાહકોને બચત ખાતા પર 2.90 ટકાને બદલે પ્રતિ વર્ષ 2.80 ટકા વ્યાજ મળશે. આ નવા વ્યાજદરો 1 ડિસેમ્બરથી લાગુ થશે.
પ્રાપ્ત વિગતો અનુસાર બેંકના ખાતાધારકોને 1 ડિસેમ્બર, 2021થી બચત ખાતામાં 10 લાખ રૂપિયાથી ઓછા બેલેન્સ પર વાર્ષિક વ્યાજ દર 2.80 ટકા મળશે. આ સાથે જ 10 લાખ રૂપિયા અને તેનાથી વધુ માટે વાર્ષિક વ્યાજદર 2.85 ટકા હશે. અત્યાર સુધી ડિપોઝીટ પર 2.90 ટકા વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે, પીએનબી દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે, જ્યારે એસબીઆઈ દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બચત ખાતામાં વાર્ષિક 2.70 ટકા વ્યાજ મળે છે. જોકે સામે પક્ષે દિગ્ગજ ખાનગી બેંક, કોટક મહિન્દ્રા અને ઇન્ડસઇન્ડ બેંક બચત ખાતા પર વાર્ષિક 4થી 6% વ્યાજ દર ઓફર કરે છે.