Site icon Revoi.in

હવે ઑટો ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટના નિયમો બદલાઇ જશે, આવા હશે નિયમો

Social Share

નવી દિલ્હી: દેશભરમાં પહેલી ઑક્ટોબરથી ઓટો ડેબિટ સિસ્ટમમાં મોટા પાયા પર ફેરફાર થવા જઇ રહ્યા છે. આ જ દિવસથી નવી ઑટો ડેબિટ સિસ્ટમ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. આ નિયમ હેઠળ બેંક, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઇ, પેટીએમ, ફોનપે જેવા ડિજીટલ પેમેન્ટ પ્લેટફોર્મે ગ્રાહકના ખાતામાંથી હપ્તો કે બિલ કાપતા પહેલા દર વખતે મંજૂરી લેવી પડશે. RBI અગાઉ કહી ચૂકી છે કે, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, યુપીઆઇ કે પ્રીઇપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ કરનારાએ રિકરિંગ ટ્રાન્ઝેક્શન્સ માટે વધારાના ફેક્ટર ઓથેન્ટિકેશનની જરૂર પડશે.

ઓટો ડેબિટ એટલે કે તમે પોતાના મોબાઇલ એપ કે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા વીજળી, ગેસ, એલઆઇસી કે અન્ય કોઈ ખર્ચાને ઓટો ડેબિટ મોડમાં નાખ્યો હોય તો એક નિશ્ચિત તારીખે આ રકમ આપમેળે તમારા ખાતામાંથી કપાઈ જશે.

ઑટો ડેબિટના નવા નિયમથી તમારી બિલ ચૂકવણીની પદ્વતિ પર અસર પડશે. આ સગવડનો લાભ લેવા માટે તમારો એક્ટિવ મોબાઇલ નંબર બેંકમાં અપડેટ થવો જરૂરી છે. આમ કરવું જરૂરી એટલા માટે છે કેમ કે મોબાઇલ નંબર પર જ ઓટો ડેબિટ સાથે જોડાયેલ નોટિફિકેશન SMS દ્વારા મોકલાશે.

નવો નિયમ લાગુ થયા પછી બેન્કોએ ચૂકવણીની અંતિમ તારીખના પાંચ દિવસ પહેલા નોટિફિકેશન મોકલવું પડશે. પેમેન્ટના ૨૪ કલાક પહેલા રિમાઇન્ડર મોકલવું પડશે. રિમાઇન્ડરમાં પેમેન્ટની રકમ અને તારીખની જાણકારી હશે. તેમા ઓપ્ટ આઉટ કે પાર્ટ-પેનો વિકલ્પ પણ હશે. આ નિયમ પહેલી ઓક્ટોબરથી લાગુ પડશે. આ ઉપરાંત પાંચ હજારથી વધારે રકમની ચૂકવણી પર ઓટીપી અનિવાર્ય કરી દેવાયો છે.