- કેન્દ્રીય ટ્રેડ યુનિયનના આહવાહન પર 26મી નવેમ્બરે બેંકોના કર્મચારીઓની હડતાળ
- શ્રમ વિરોધી, કિસાન વિરોધી નીતિઓના વિરોધમાં આ હડતાળ કરાશે
- આ હડતાળને ઑલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશને પણ ટેકો આપ્યો
નવી દિલ્હી: તમારા બેન્કિંગ કામકાજોમાં વિક્ષેપ આવી શકે છે. હકીકતમાં, કેન્દ્રીય ટ્રેડ યુનિયનના આહવાહન પર 26મી નવેમ્બરે સરકારી બેંકોના કર્મચારીઓ હડતાળ પાડશે. આ હડતાળનું આહવાહન શ્રમ વિરોધી, કિસાન વિરોધી નીતિઓના વિરોધમાં કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. આ હડતાળમાં બેન્કિંગ સેક્ટરના સૌથી મોટા કર્મચારી સંગઠન ઑલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશને ટેકો આપ્યો છે.
બેંક હડતાળને કારણે ગુરુવારે બેંકોનું કામકાજ ઠપ રહેશે. આ ઉપરાંત આ સપ્તાહે ચોથો શનિવાર હોવાથી તે દિવસે અને રવિવારે બેંકો બંધ રહેશે. એટલે, જો તમારે બેંકનું કોઇ કામ હોય તો આવતીકાલે અને શુક્રવારે જ પૂર્ણ કરવું પડશે.
આ હડતાળનો ઉદ્દેશ્ય જણાવતા મહાગુજરાત બેંક એમ્પ્લોઇઝ એસોસિએશને જણાવ્યું હતું કે, સેન્ટ્રલ ટ્રેડ યુનિયનની સામાન્ય માગો ઉપરાંત જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણનો પ્રસ્તાવ પાછો ખેંચવા, બેંકોમાં જમા રકમ પર વ્યાજ વધારવા, કોર્પોરેટ હાઉસો પાસેથી NPAની વસૂલાત માટે કડક કાર્યવાહી કરવા, કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને કાયમી કરવા, આઉટસોર્સિંગ પર પ્રતિબંધ મૂકવા, ખાલી પદો વિના વિલંબે ભરવા, 31 માર્ચ 2010 પછી યોગદાન આપનારા બેંક કર્મીઓ માટે NPSને બદલે જૂની પેન્શન યોજના અમલી કરવા સહિતની માગોને લઇને બેંકના કર્મચારીઓએ હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત યુનિયનની માગ છે કે, નાણાકીય સેક્ટરોના ખાનગીકરણને રોકવામાં આવે તેમજ સરકારી કંપનીઓ અને સેવાઓ જેમ કે રેલવે અને ઓર્ડિનન્સ ફેક્ટરીઓનું ઔદ્યોગિકરણ રોકવામાં આવે. સરકારી અને PSU કર્મચારીઓને બળજબરી નિવૃત્ત કરવાના સર્કુલરને પાછો ખેંચવાની પણ તેમની માગણી છે.
યુનિયનની અન્ય માગણીમાં ઇન્કમ ટેક્સ ભરવાનો ના થતો હોય તેવા પરિવારને માસિક 7500 રૂપિયા કેશ ટ્રાન્સફરની છૂટ આપવા, જરૂરિયાતમંદ વ્યક્તિઓને દર મહિને 10 કિલો રાશન આપવા, મનરેગામાં વર્ષમાં કામના દિવસો 200 કરવા જેવી માગણી સામેલ છે.
(સંકેત)