- નવેમ્બરથી બેન્કિંગ, ગેસ, રેલવે સેવાઓના નિયમોમાં થશે ફેરબદલ
- બેંકોમાં હવે મર્યાદા કરતાં વધુ જમા-ઉપાડ પર ચાર્જ લાગુ થશે
- રેલવેની અનેક ટ્રેનોના ટાઇમટેબલમાં પણ થશે ફેરફાર
નવી દિલ્હી: ઑક્ટોબર પૂર્ણ થવાને આરે છે ત્યારે નવેમ્બર મહિનાના પ્રારંભથી બેન્કિંગ સેક્ટર સહિત કેટલાક ક્ષેત્રોમાં નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. બેન્કિંગ, રેલવે, ગેસ સિલિન્ડિર બૂકિંગ સેવા સહિતના નિયમોમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.
બેન્કિંગ સેક્ટરમાં ફેરફાર
હવે પહેલી નવેમ્બરથી બેન્કિંગ સેક્ટરને લગતા નિયમોમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. હવે નવા નિયમો અનુસાર બેંકમાં રૂપિયા જમા કરાવવા બદલ અને ઉપાડવા બદલ ચાર્જ ભરવો પડશે. હવે આગામી મહિનાથી નિયત મર્યાદા કરતાં વધારે બેન્કિંગ સેવા માટે અલગથી વેરો ચૂકવવાની તૈયારી રાખવી પડશે.
નવા નિયમો અનુસાર બચતખાતામાં ત્રણ વખત નાણાં નિ:શુલ્ક જમા કરી શકાશે. જો કે બાદમાં જો ખાતાધારક એક મહિનાની અંદર ત્રણ વખત કરતાં વધારે નાણાં ડિપોઝિટ કરે છે તો તેણે દરેક જમા કરવા પર 40 રૂપિયાની ચૂકવણી કરવી પડશે.
જો કે જનધન ખાતાધારકોએ ત્રણથી વધારે વખત નાણાં જમા કરવા પર કોઇ શુલ્ક નહીં આપવું પડે. જો કે નાણાં ઉપાડ માટે 100 રૂપિયાની ચૂકવણી કરવાની રહેશે.
આ ઉપરાંત પહેલી નવેમ્બરથી ગેસ સિલિન્ડર ઘર સુધી પહોંચાડવાની પ્રક્રિયા પૂરેપૂરી બદલાઈ જશે. નવા નિયમ મુજબ ગેસ બુકિંગ પછી ગ્રાહકોના રજિસ્ટર નંબર પર ઓટીપી આવશે. ઓટીપી વગર કોઈપણ પ્રકારની બુકિંગ નહી થાય. આ ઉપરાંત સિલિન્ડર ઘરે પહોંચાડતા ડિલિવરી બોયને ઓટીપી બતાવ્યા પછી જ ગ્રાહક સિલિન્ડર લઈ શકશે.
નવી સિલિન્ડર પોલિસી બાદ હવે જે ગ્રાહકો ખોટું સરનામું અથવા મોબાઇલ નંબર આપશે તે સંકટમાં મૂકાઇ શકે છે. આ માટે કંપનીઓએ તેના બધા ગ્રાહકોનું નામ, સરનામું અને મોબાઇલ નંબરનો ડેટાબેઝ અપડેટ કરવો પડશે. જો કે આ નિયમ કર્મશિયલ સિલિન્ડર પર લાગૂ નહીં પડે.
તે ઉપરાંત 1 નવેમ્બરથી દેશભરની ટ્રેનોના ટાઇબટેબલમાં પણ ફેરફાર થવા જઇ રહ્યો છે. આગામી મહિનાથી એટલે કે 1 નવેમ્બરથી નવું ટાઇમટેબલ લાગુ પડશે. જેમાં 13 હજાર પેસેન્જર ટ્રેન તેમજ 7000 માલગાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે.