- અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી મુશ્કેલીમાં મુકાયા
- એસબીઆઇ, યુબીઆઇ બેંકે રિલાયન્સ કોમ્યુનિકેશનના બેંક એકાઉન્ટને ફ્રોડ ગણાવ્યા
- એસબીઆઇ અને યૂબીઆઇએ રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના બેંક એકાઉન્ટને પણ ફ્રોડના લિસ્ટમાં મૂક્યા
નવી દિલ્હી: અનિલ ધીરુભાઇ અંબાણી ગ્રૂપના ચેરમેન અનિલ અંબાણી મુશ્કેલીમાં મૂકાયા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, યૂનિયન બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંકએ રિલાયન્સ કોમ્યુનિકેશનના બેંક એકાઉન્ટને ફ્રોડ ગણાવ્યા છે. બેન્કિંગ સૂત્રોએ આ જાણકારી આપી છે. આ મામલે એસબીઆઇ અને યૂબીઆઇએ રિલાયન્સ ટેલિકોમ લિમિટેડના બેંક એકાઉન્ટને પણ ફ્રોડના લિસ્ટમાં મૂક્યા છે.
રિલાયન્સ ટેલિકોમ લિમિટેડ આરકોમની 100 ટકા સબસિડિયરી છે. આ સિવાય સ્ટેટ બેંકે આરકોમની અન્ય સબસિડિયરી રિલાયન્સ ઇન્ફ્રાટેલ લિમિટેડના બેંક ખાતાને પણ ફ્રોડ ગણાવ્યા છે. બેંકોએ આ પગલું એવા સમયે ભર્યું છે જ્યારે એક સપ્તાહ પહેલા જ એનસીએલટીની મુંબઇ બેંચે રિલાયન્સ ઇન્ફ્રાટેલના રિસોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે.
રિલાયન્સ ઈન્ફ્રાટેલ લિમિટેડ માટે લેન્ડર્સે રિલાયન્સ ડિજિટલ પ્લેટફોર્મના રિસોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે. રિલાયન્સ ડિજિટલ પ્લેટફોર્મ રિલાયન્સ જિયો ગ્રુપની કંપની છે. આ રિસોલ્યુશન પ્લાન હેઠળ લેન્ડર્સને રિલાયન્સ ડિજિટલ પાસેથી 4,000 કરોડ રૂપિયા મળશે. રિલાયન્સ ઈન્ફ્રાટેલ પાસે 43,000 ટાવર અને 1,72,000 કિલોમીટરના ફાયબર નેટવર્ક છે.
નોંધનીય છે કે, લેન્ડર્સે આરકોમ અને આરટીએલના રિસોલ્યુશન પ્લાનને પણ મંજૂરી આપી છે. હવે આ રિસોલ્યુશન પ્લાનને એનસીએલટીની મુંબઈ બેંચની મંજૂરી મળવાની બાકી છે. આ બન્ને કંપનીઓના વેચાણથી લેન્ડર્સને લગભગ 18,000 કરોડ રૂપિયા મળશે. આ બન્ને કંપનીઓ માટે લેન્ડર્સે યૂવી એસેટ રી-કંન્સ્ટ્રક્શનના રિસોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે.
(સંકેત)