જગતના તાત માટે આનંદના સમાચાર, સરકારે DAP ખાતરની સબસિડી 500 રૂપિયાથી વધારીને 1200 રૂપિયા કરી
- દેશના લાખો ખેડૂતોના હિત માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય
- કેન્દ્ર સરકારે DAP ખાતરની સબસિડી 500 થી વધારીને 1200 રૂપિયા કરી
- ખાતરો પર 14 હજાર 775 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાના નિર્ણયને મંજૂરી
નવી દિલ્હી: જગતના તાત એવા ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આર્થિક બાબતો અંગેની મંત્રીમંડળ સમિતિની બેઠકમાં ખાતરો પર 14 હજાર 775 કરોડ રૂપિયાની વધારાની સબસિડી આપવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી DAP પર સબસિડી માટે 9125 કરોડ રૂપિયા જાહેર કરાયા છે. જ્યારે NPK ખાતર માટે રૂ.5650 કરોડની વધારાની ફાળવણી કરવામાં આવી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય પર મહોર મારવામાં આવી હતી. ગત મહિને જ પીએમ મોદીએ ખાતરો પરની સબસિડી વધારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો.
આ નિર્ણય અંતર્ગત ડીએપી ખાતર પર સબસિડી 500 રૂપિયા પ્રતિ બેગથી વધારીને 1,200 કરવામાં આવી છે, જે આશરે 140 ટકાનો વધારો છે. આમ, આંતરરાષ્ટ્રીય બજારમાં ડીએપીના ભાવમાં વધારા હોવા છતાં તેનું વેચાણ બેગ દીઠ 1,200 ની જૂની કિંમતે ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, કેન્દ્ર સરકારે જ ભાવ વધારાનો સંપૂર્ણ ભાર સહન કરવાનો નિર્ણય લીધો છે. પ્રતિ બેગ સબસિડીની માત્રામાં આટલો વધારો ક્યારેય થયો નથી.
નોંધનીય છે કે, કેન્દ્ર સરકાર દર વર્ષે રાસાયણિક ખાતરો પર સબસિડી આપવા માટે આશરે 80,000 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. ડીએપી અને અન્ય સબસિડીવાળા પી એન્ડ કે ખાતરો પર સબસિડીમાં વધારાની સાથોસાથ સીઝન 2021 માટે 14,775 કરોડ રૂપિયાની વધારાની સબસિડી અપાશે.