- ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો ફૂગ્ગો ફૂટ્યો
- બિટકોઇન અને ઇથેરમના ભાવમાં ઘટાડો
- કેટલાક નબળા વૈશ્વિક સંકેતોથી ભાવ ઘટ્યો
નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીની વૈશ્વિક બજારમાં બોલબાલા વચ્ચે વચ્ચે તેમાં હવે તેજીનો ફૂગ્ગો ફૂટી ગયો છે. નીચા ભાવથી ઉછાળા આવે છે પરંતુ તે ટકાઉ નથી તેવું જાણકારો કહી રહ્યાં છે. અમેરિકામાં જોબગ્રોથના આંકડા અપેક્ષા કરતાં નબળા આવતાં તેમજ તેના પગલે ડોલરનો વૈશ્વિક ઇન્ડેક્સ ઉંચેથી ફરી નીચો ઉતરતાં તેની અસર પણ ક્રિપ્ટોકરન્સી બજાર પર જોવા મળી હતી.
બિટકોઈનના ભાવ આજે ઉંચામાં 37956થી 37957 ડોલર તથા નીચામાં ભાવ 37361થી 35362 ડોલર થઈ 35915થી 35916 ડોલર રહ્યા હતા. શુક્રવારે ઉંચામાં ભાવ 39285થી 39290 ડોલર સુધી ઉછળ્યા હતા. પરંતુ ત્યારબાદ ભાવ ફરી ગબડતા જોવા મળ્યા છે.
ટેસ્લાના અધ્યક્ષ એલન મસ્કે બિટકોઈન સાથે જાણે બ્રેકઅપ થઈ ગયું હોય એવો હૃદયભંગ દર્શાવતો ઈમોજી ટ્વીટર પર રજૂ કરતાં બિટકોઈનના ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાનું વિશ્વબજારના સૂત્રોએ ઉમેર્યું હતું. આજ બિટકોઈનમાં 34થી 35 અબજ ડોલરનું ટ્રેડિંગ થયું હતું તથા માર્કેટ કેપ આશરે 20 અબજ ડોલર ઘટી 672થી 673 અબજ ડોલર થયાના નિર્દેશો હતા.
દરમિયાન, અન્ય ક્રિપ્ટો કરન્સીઓમાં આજે ઈથેરના ભાવ ઉંચામાં 2820થી 2821 ડોલર તથા નીચામાં ભાવ 2605થી 2606 ડોલર થઈ 2627થી 2628 ડોલર રહ્યા હતા. ઈથેરમાં આજે 34થી 35 અબજ ડોલરના વોલ્યુમ વચ્ચે માર્કેટ કેપ ઘટી 305થી 306 અબજ ડોલર નોંધાયું હતું. ઈથેરના ભાવ શુક્રવારે ઉંચામાં 2870થી 2875 ડોલર સુધી પહોંચ્યા હતા.