નવી દિલ્હી: અત્યારે સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીની બોલબાલા છે અને હવે વધુ એક દેશએ ક્રિપ્ટોકરન્સને માન્યતા આપી છે. યુક્રેનની સંસદે એક કાયદો પસાર કરતા દેશમાં ક્રિપ્ટોકરન્સી બિટકોઇનને લીગલ અને રેગ્યુલેટ કર્યું છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે યુક્રેને બિટકોઇનને કાયદેસર માન્યતા આપી છે. આ બિલ 2020માં તૈયાર કરાયું હતું અને યુક્રેનની સંસદમાં કુલ 276 સાંસદોએ તેના સમર્થનમાં મત આપ્યો હતો.
ક્રિપ્ટોકરન્સી પર દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવા તેમજ બિટકોઇનના ખરીદદારોનું રક્ષણ કરવું એ આ બિલ પાછળનો મુખ્ય હેતુ છે. કારણ કે બિટકોઇન કાયદેસર નથી અને ગેરકાયદેસર પણ નથી.
બિલ પસાર થઇ જતા હવે વ્યક્તિઓ તેમજ વ્યવસાયોને સુરક્ષિત કરી શકે છે. જો કે કાયદામાં અમુક દિશાનિર્દેશો પણ જારી કરાયા છે. જેમાં યુક્રેન ભાવિમાં બિટકોઇનને વધુ નિયંત્રિત કરવાનો પ્રયાસ કેવી રીતે કરી શકે છે તે અંગે પણ માર્ગદર્શિકા છે.
આ બિલ નાગરિકોને એક્સચેન્જો પર બિટકોઈન અને અન્ય ક્રિપ્ટોકરન્સી ખરીદવા અને ટ્રેડ કરવાની મંજૂરી આપે છે. બિલ વોલેટ અને પ્રાઈવેટ કી બાબાતે પણ સ્પષ્ટતા કરી છે.
સંસદ વર્ષના અંત પહેલા તેના ટેક્સ અને સિવિલ કોડમાં સત્તાવાર રીતે “ઓપન માર્કેટ” માં ફેરફાર કરે તેવી અપેક્ષા છે. અહિં એ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ભલે બિટકોઈન હવે યુક્રેનમાં કાયદેસર છે પણ તેનો અર્થ એ નથી કે દેશમાં BTC લીગલ ટેન્ડર છે. ભવિષ્યમાં એવું કરવા માટે એક બીજા કાયદાની જરૂરી રહેશે.
યુક્રેન ક્રિપ્ટોકરન્સી માર્કેટ માટે અમુક માળખાકીય નિયમ નક્કી કરતો દુનિયાનો પાંચમો દેશ બની ગયો છે. ચાલુ સપ્તાહે, હવે સાલ્વાડોર બિટકોઈનને લીગલ ટેંડર તરીકે અપનાવવા અને તેને પોતાની બેલેન્સશીટ પર રાખનાર પહેલો દેશ બની ગયો છે. બે સપ્તાહ પહેલા ક્યૂબાએ સામાજિક આર્થિક હિતના કારણો આપતા ક્રિપ્ટોકરન્સીને લીગલ અને રેગ્યુલેટ કરવા માટે એક બિલ પસાર કર્યું હતું.