- બિટકોઇનમાં ભાવમાં પીછેહઠ યથાવત્
- કેટલાક વૈશ્વિક સંકેતોને કારણે ભાવ ઘટ્યા
- બિટકોઇનના ભાવ ઘટીને 38771 ડોલર રહ્યા હતા
નવી દિલ્હી: સમગ્ર વિશ્વમાં ક્રિપ્ટોકરન્સીના વધતા ટ્રેન્ડ વચ્ચે હવે પણ બિટકોઇનની કિંમતમાં પીછેહઠ યથાવત્ રહી હતી. અમેરિકામાં ફેડરલ રિઝર્વે પહેલી વ્યાજ વૃદ્વિના સંકેત આપતા વિશ્વબજારમાં ડોલરનો ઇન્ડેક્સ ઝડપી ઉંચકાયો હતો છતાં ક્રિપ્ટો કરન્સીઓના ભાવ આજે એકંદરે પીછેહઠ જ બતાવી રહ્યા હતા.
તાજેતરમાં જ અલ સલ્વાડોરે વર્લ્ડ બેંકને વિનંતી કરી હતી કે બિટકોઇન માટે અમને ટેકનિકલ સહાય-માર્ગદર્શન આપો. જો કે વર્લ્ડ બેંકે અલ સાલ્વાડોરની આ વિનંતી ફગાવી દીધી હતી.
દરમિયાન, બિટકોઈનના ભાવ આજે ઉંચામાં 39721થી 39722 ડોલર થયા પછી નીચામાં ભાવ 38131થી 38132 ડોલર થઈ 38770થી 38771 ડોલર રહ્યા હતા. બિટકોઈનમાં આજે 37થી 38 અબજ ડોલરનું ટ્રેડિંગ વોલ્યુમ નોંધાયું હતું તથા માર્કેટ કેપ 726થી 727 અબજ ડોલર રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
અન્ય ક્રિપ્ટો કરન્સીઓના ભાવ પણ આજે સાંકડી વધઘટે એકંદરે ઘટાડા પર રહ્યા હતા. ઈથેરના ભાવ આજે ઉંચામાં 2461થી 2462 ડોલર તથા નીચામાં ભાવ 2352થી 2353 ડોલર થઈ 2378થી 2379 ડોલર રહ્યા હતા. ઈથેરમાં આજે 26થી 27 અબજ ડોલરનું વોલ્યુમ નોંધાયું હતું તથા માર્કેટ કેપ 280થી 285 અબજ ડોલરથી ઘટી 276થી 277 અબજ ડોલર નોંધાયું હતું.