- ભારતમાં સ્ટીલના વપરાશમાં જંગી વધારો થયો
- ભારતનો સ્ટીલ વપરાશ જાન્યુઆરીમાં વાર્ષિક ધોરણે 9% વધી 99.70 લાખ ટન્સ રહ્યો
- ડિસેમ્બરની તુલનાએ વપરાશમાં 3 ટકાની વૃદ્વિ
નવી દિલ્હી: ભારતમાં સ્ટીલના વપરાશમાં વધારો થયો છે. ભારતનો સ્ટીલ વપરાશ જાન્યુઆરીમાં વાર્ષિક ધોરણે 9 ટકા વધી 99.70 લાખ ટન્સ રહ્યો છે. કોઇ એક મહિનામાં સ્ટીલનો આટલો જંગી વપરાશ પ્રથમ વખત જોવા મળ્યો છે. ડિસેમ્બરની તુલનાએ વપરાશમાં 3 ટકાની વૃદ્વિ થઇ છે. દેશની સ્ટીલની નિકાસમાં ઘટાડો તેમજ આયાતમાં વધારાને જોતા સ્ટીલની મજબૂત માંગના સંકેત મળ્યા છે.
પ્રાપ્ત અહેવાલ અનુસાર વર્ષમાન વર્ષના જાન્યુઆરી મહિનામાં ઘર આંગણે સ્ટીલ ઉત્પાદન ગત વર્ષના જાન્યુઆરીની તુલનાએ 7 ટકા વધી 99.80 લાખ ટન્સ રહ્યું છે. મજબૂત ઘરેલુ માગ તેમજ ફિનિશ્ડ સ્ટીલની નીચી ઇન્વેન્ટરી ઘરઆંગણે સ્ટીલના ભાવ ઊંચા જળવાઇ રહેવાની એક રિપોર્ટમાં જણાવાયું છે.
અન્ય એક અહેવાલ પર નજર કરીએ તો, સ્ટીલના મોટા વપરાશકાર તેમજ મોટા ઉત્પાદન ચીન ખાતેથી પોઝિટિવ પરિબળોના પરિણામ સ્વરૂપ સ્ટીલના માગ-પૂરવઠાની સ્થિતિ સમતુલિત રહી શકે છે જેના કારણે ભાવમાં ટેકો મળી રહેશે.
અહીંયા મહત્વની બાબત એ છે કે નવા વર્ષની ઉજવણી બાદ ચીનની બજારો ફરીથી ખૂલી ગઇ છે ત્યારે સ્ટીલના ભાવને લઇને વિશ્વની નજર હવે ચીન પર રહેલી છે. ચીન ખાતેથી માગ નીકળવાની અપેક્ષા રખાઇ રહી છે.
નોંધનીય છે કે વિશ્વમાં ઉત્પાદન થતા સ્ટીલમાંથી 56 ટકા જેટલું સ્ટીલ ચીનમાં ઉત્પન્ન થાય છે. ગત વર્ષના ડિસેમ્બરમાં એચઆર કોઇલના ભાવ ચીનમાં વધીને પ્રતિ ટન 770 ડોલર પર પહોંચી ગયા હતા. જો કે જાન્યુઆરીમાં નવા વર્ષની રજાઓના કારણે ભાવ દબાયા હતા તે ફરી ઊંચકાયા હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.
(સંકેત)