- ઓમિક્રોન વેરિએન્ટની ભારતીય બજાર પર પ્રતિકૂળ અસર
- મંગળવારે શેરમાર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 400 પોઇન્ટનો કડાકો
- નિફ્ટી પણ ડાઉન
મુંબઇ: ભારતમાં પણ ધીરે ધીરે હવે ઓમિક્રોન વેરિએન્ટ પગપેસારો કરી રહ્યું છે. આ નવા વેરિએન્ટને કારણે ભારતીય શેરમાર્કેટમાં વેચવાલીનો ટ્રેન્ડ દેખાઇ રહ્યો છે.
વિશ્વભરમાં ઓમિક્રોન વેરિએન્ટના વધતા ખતરા વચ્ચે આજે ભારતના સ્ટોક માર્કેટ પર પણ તેની પ્રતિકૂળ અસર પડી હતી. બ્રિટનમાં ઓમિક્રોન વેરિએન્ટથી પહેલા મૃત્યુની પુષ્ટિ બાદથી વિશ્વભરના માર્કેટોમાં દબાણ બન્યું છે. મંગળવારે BSE સેન્સેક્સ સવારે ખુલતાંની સાથે જ કડડભૂસ થઇ ગયું હતું.
કારોબારી સપ્તાહના બીજા દિવસે જ સેન્સેક્સમાં 400 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો અને નિફ્ટી પણ લાલ નિશાન પર ખૂલ્યું હતું. નિફ્ટીમાં બજાર ખૂલતાં જ 100 અંક પછડાયા છે. સોમવારે જ્યારે અમેરિકાના માર્કેટ બંધ થયા ત્યારે નુકસાનીમાં બંધ થયા હતા અને આજે જ્યારે એશિયાના માર્કેટ ખૂલ્યા ત્યારે પણ એ જ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
નોંધનીય છે, માર્કેટમાં વેચવાલીનું પણ દબાણ બની રહ્યું છે. FPIમાં પણ બરાબરની વેચવાલી ચાલી રહી છે. સોમવારે FPIમાં 2,743.44 કરોડ રૂપિયાની વેચવાલી હતી.