- તહેવારોની મોસમ દરમિયાન દેશમાં કારના વેચાણમાં જોવા મળી વૃદ્વિ
- નવરાત્રિના 9 દિવસમાં કાર કંપનીઓનું વેચાણ ડબલ ડિજીટમાં વધ્યું
- જો કે તેનાથી વિપરીત દ્વિચક્રીય વાહનોના વેચાણમાં નિરુત્સાહી ટ્રેન્ડ
નવી દિલ્હી: તહેવારોની મોસમમાં ઓટો સેક્ટરમાં તેજી જોવા મળી છે. ખાસ કરીને તહેવારોની મોસમના પ્રારંભિક તબક્કામાં નવરાત્રિ દરમિયાન કારના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. જો કે દ્વિચક્રીય વાહનોનું વેચાણ ઘટ્યું છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન મહત્તમ કાર કંપનીઓનું વેચાણ ગત વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ડબલ ડિજીટમાં વધ્યું છે.
જો કે બીજી તરફ દ્વિચક્રીય વાહનોનું વેચાણ નિરુત્સાહી જોવા મળ્યું છે. નવરાત્રિ દરમિયાન દ્વિચક્રીય વાહનોનું વેચાણ ગત વર્ષા સમાન સમયગાળાની તુલનાએ 10 ટકા ઘટ્યું છે. શાળા-કોલેજો તથા ઘણી બિઝનેસ ઓફિસો બંધ રહેવાના કારણે દ્વિચક્રીય વાહનોનું વેચાણ પ્રભાવિત થયું છે. શહેરી બજારોમાં આ સેગમેન્ટની હિસ્સેદારી ઘણી વધુ છે.
સપ્ટેમ્બર મહિનામાં કારખાનાએથી ડીલરો પાસે મોકલવામાં આવેલા દ્વિચક્રીય વાહનોમાં 11.36 ટકાનો વધારો થયો હતો જ્યારે આ દરમિયાન રિટેલ વેચાણ 11.62 ટકા ઘટ્યું છે.
ફેડરેશન ઓફ ઓટમોબાઇલ એસોસિએશનના અધ્યક્ષ વિંકેશ ગુલાટીએ કહ્યું હતું કે યાત્રી વાહનોનું વેચાણ ઉત્સાહજનક રહ્યું હતું પરંતુ દ્વિચક્રીય વાહનોનું વેચાણ આશાથી વિપરીત જોવા મળ્યું છે અને તહેવારોની મોસમ દ્વિચક્રીય વાહનોના વેચાણને લઇને નબળી રહી શકે છે.
તહેવારોની મોસમમાં કારના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. મર્સિડિઝ બેંઝે આ નવરાત્રિ દરમિયાન 550 કારનું વેચાણ કર્યું હતું જ્યારે હ્યુન્ડાઇએ તહેવારો દરમિયાન 36000 કારનું વેચાણ કર્યું છે જે ગત વર્ષના સમાન સમયગાળા કરતાં 25 ટકા વધુ છે. મારુતિ સુઝુકીએ તહેવારો દરમિયાન આશરે 85,000-90,000 જેટલી કારનું વેચાણ કર્યું છે.
(સંકેત)