- પશ્વિમ બંગાળમાં કોલસા કૌભાંડ અને પશુ તસ્કરીનો મામલો
- CBI-ED હાલમાં અનેક ઠેકાણા પાડી રહી છે રેડ
- પશ્વિમ બંગાળમાં ઇડીના આ બીજા રાઉન્ડનો દરોડો છે
કોલકાતા: હાલમાં પશ્વિમ બંગાળમાં CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ એક્શનમાં આવી છે. CBI-EDએ પશ્વિમ બંગાળમાં કોલકાતા સહિત 15 ઠેકાણા પર કોલસા કૌભાંડ તેમજ પશુ તસ્કરી કેસ મુદ્દે દરોડા પાડ્યા છે. હાલ પશ્વિમ બંગાળમાં એવા વેપારીઓના ત્યાં દરોડા પડી રહ્યા છે જે ગેરકાયદેસર કોલસા ખનન તેમજ પશુ તસ્કરી સાથે જોડાયેલા છે.
આપને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળમાં ઇડીના આ બીજા રાઉન્ડનો દરોડો છે. હાલમાં જ ઇડીએ પશુ તસ્કરી કેસ અને કૌલસા કૌભાંડના કેસમાં પશ્વિમ બંગાળમાં રેડ કરી હતી. તે દરમિયાન ઇડીને અનેક મહત્વની કડીઓ મળી હતી. તેના ઇનપુટ્સના આધારે આજે ફરીથી પશ્વિમ બંગાળમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.
અત્રે જણાવવાનું કે પહેલા જે દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં પૈસાની ટ્રેલ અંગે જાણકારી મળી હતી. ત્યારબાદ આજે દરોડા પાડવામાં આવ્યા છે. ઈડી અને સીબીઆઈ અલગ અલગ પરંતુ અનૂપ માંઝી કેસમાં દરોડા પાડી રહ્યા છે.
સૂત્રોનુસાર, દુર્ગાપુર, કોલાકાતા, પુરુલિયા સહિત 15 લોકેશન પર આરોપીઓની ઓફિસ તેમજ ઘર પર સીબીઆઇ-ઇડી દરોડા પાડી રહી છે. સીબીઆઇ કોલસા કૌભાંડને લઇને કોલકાતામાં વેપારી રણધીરકુમાર વર્ણવાલાના સ્થળો પર દરોડા પાડી રહી છે. CBIના સૂત્રોનુસાર આ વેપારી દ્વારા અનેક નોકરશાહો તેમજ નેતાઓ સુધી કથિતપણે લાંચના પૈસા પહોંચાડવામાં આવ્યા છે. ઇડીની એક ટીમે કોલકાતામાં પ્રિન્સેપ સ્ટ્રીટ પાસે પણ એક સ્થળ પર દરોડાની કાર્યવાહી કરી રહી છે.
(સંકેત)