- તહેવારોની સીઝનમાં સામાન્ય પ્રજાને મોટી રાહત
- સરકારે ખાદ્ય તેલ પર ટેક્સ ઘટાડ્યો
- હવે ભાવમાં આટલો ઘટાડો થશે
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત વધારાથી મોંઘવારીએ માઝા મૂકી છે અને કમરતોડ મોંઘવારીથી સામાન્ય પ્રજા પરેશાન છે ત્યારે હવે તહેવારોની સીઝનમાં લોકોને રાહત આપવા સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે પામ અને સન ફ્લાવર ઓઇલ પર એગ્રી સેસ અને કસ્ટમ ડ્યૂટી ઘટાડી છે. અગાઉ ગ્રાહકો મામલાના મંત્રાલયએ તેલ અને તેલિબીયા સ્ટોક લિમિટ લાગૂ કરવાનો આદેશ બહાર પાડ્યો હતો. સ્ટોક લિમિટ 31 માર્ચ 2022 સુધી લાગૂ રહેશે.
હવે ક્રૂડ પામ તેલ પર ડ્યૂટી ઘટાડીને 8.25 ટકા, પામોલિન પર 19.25 ટકા, ક્રૂડ સોયા તેલ પર 5.5 ટકા, રિફાઇન્ડ સોયા તેલ પર 19.5 ટકા, ક્રૂડ સુરજમુખી તેલ પર 5.5 અને રિફાઇન્ડ સુરજમુખી તેલ પર 19.25 કરવામાં આવી.
એક નોટિફિકેશન જારી કરીને કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડએ કહ્યું કે, ડ્યૂટીમાં કાપ 14 ઑક્ટોબરથી પ્રભાવી થશે અને 31 માર્ચ, 2022 સુધી લાગૂ રહેશે.
મહત્વનું છે કે, ગત મહિને 11 ડિસેમ્બરે પામ ઑઇલ, સોયા ઑઇલ અને સુરજમુખી ઓઇલ પર આયાત ડ્યૂટીમાં ઘટાડો કરાયો હતો. જ્યારે ક્રૂડ પામ ઑઇલ પર મૂળ ઇમ્પોર્ટ ડ્યૂટીને 10 ટકાથી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી હતી.