- પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી સામાન્ય પ્રજાની કમર તોડી
- જો કે બીજી તરફ સરકારને તેનાથી થઇ અબજો રૂપિયાની કમાણી
- એક RTIમાં સરકારને થનારી કમાણીનો થયો ખુલાસો
નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવથી સામાન્ય માણસની કમર તૂટી ચૂકી છે. લોકો સતત મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. સરકાર સામે ટેક્સ અને સેસ ઘટાડવાની લોકો માંગણી કરી રહ્યાં છે પરંતુ શું તમને ખબર છે એક સિક્કાની બે બાજુ હોય તે રીતે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સથી સરકારને અબજો રૂપિયાની કમાણી થઇ રહી છે.
સરકારને દર વર્ષે પેટ્રોલિયમ પ્રોડકટ્સથી અબજો રૂપિયાની કમાણી થઇ રહી છે. હવે એક RTIથી પણ આ કમાણી બાબતે મોટો ખુલાસો થયો છે. કોરોના મહામારી દરમિયાન પેટ્રોલિયમ પ્રોડકટ્સ પર કસ્ટમ અને એક્સાઇઝ ડ્યૂટીથી કેન્દ્ર સરકારની કમાણી 26 ટકાથી વધારે વધી છે.
સરકારે ઇનડાયરેક્ટ ટેક્સથી અંદાજે 2.88 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. 2020-21માં પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ઇમ્પોર્ટ પર 37806 કરોડ રૂપિયાની કસ્ટમ ડ્યૂટી વસુલવામાં આવી છે. જ્યારે સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીથી 4.13 લાખ કરોડની કમાણી થઈ અને પેટ્રોલિયમ પ્રોડક્ટથી ઇમ્પોર્ટ પર કસ્ટ ડ્યૂટી તરીકે 46000 કરોડની કમાણી થઈ છે.
નોંધનીય છે કે, પેટ્રોલિયમ પ્રોડકટ્સ પર એક્સાઇઝ ડ્યૂટી તરીકે 2.42 લાખ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે. RTI દ્વારા આ માહિતી સામે આવી છે.