Site icon Revoi.in

હવે ચેક દ્વારા પેમેન્ટની સિસ્ટમ બદલાશે, આપવી પડશે આ વિગતો

Social Share

જો કોઇ વ્યક્તિ જેને પૈસા ચૂકવવાના હોય તો હાલમાં ચેકથી ચૂકવણી કરવી સરળ છે પરંતુ હવે સરકાર તેમાં નવા નિયમો લાવી રહી છે. વર્ષ 2021થી ચેક દ્વારા ચૂકવણીની સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવશે. સરકાર દ્વારા તેને પોઝિટિવ પે સિસ્ટમ નામ આપવામાં આવ્યું છે.

નવા નિયમોનુસાર ખાસ કરીને 50 હજાર રૂપિયાથી વધારે રકમની ચૂકવણી કરવાની હોય ત્યારે મહત્વપૂર્ણ માહિતી આપવી આવશ્યક રહેશે. એ માટે ચેક આપનાર વ્યક્તિએ SMS, મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેન્કિંગ, એટીએમ જેવા માધ્યમ દ્વારા ચેકને લગતી વધારાની માહિતી આપવાની રહેશે.

જે પાર્ટીના નામે ચેક આપવામાં આવ્યો હોય એને રકમ ચૂકવવા પહેલાં બેંક જેને ચૂકવણી કરવાની હોય એનું નામ અને ચેકમાં લખેલી રકમ વિશે વધુ એક વાર પૂછપરછ કરીને પાકું કરશે કે ચેક રજૂ કરનાર વ્યક્તિ એ જ છે જેના નામે ચેક લખવામાં આવ્યો છે. આ રીતે સિક્યોરિટી વધારવાની વ્યવસ્થા કરવામાં આવી રહી હતી.

RBIએ આ અંગે જણાવ્યું હતું કે આ જોગવાઇ હાલ ફરજીયાત નહીં રહે. જે ખાતાધારકને આ સવલત પ્રાપ્ત કરવી હોય તે એ બેંકપાસે આ સગવડ માગી શકશે. આમ છત્તાં 5 લાખ કે તેથી વધુ રકમના ચેક માટે આ સિસ્ટમ ફરજીયાત હશે. આ સુવિધાથી મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને નાણાકીય વ્યવહારમાં વધુ સલામતી મળશે તેવી આશા સેવાઇ રહી છે.

નોંધનીય છે કે આરબીઆઇએ દરેક બેંકોને આ સુવિધા વિશે તેના ગ્રાહકોને જણાવવા માટે નિર્દેશ કર્યો છે. ખાતેદારોને વેબસાઇટ પર અને ઇન્ટરનેટ બેંકિંગની સુવિધાથી જાણ કરવા માટે આદેશ અપાયો છે.

(સંકેત)