- સોશિયલ મીડિયામાં ચીન સામેનો વિરોધ રહ્યો સીમિત
- દેશના સ્માર્ટફોન માર્કેટમાં ચીની કંપનીઓનો હિસ્સો વધ્યો
- ગત વર્ષે ભારતમાં 5 કરોડ સ્માર્ટફોન વેચાયા તેમાં ચાઈનીઝ કંપનીઓની ભાગીદારી 77 ટકા જેટલી છે
નવી દિલ્હી: ભારતમાં વર્ષ 2020માં સરહદ વિવાદના કારણે ભારતના સોશિયલ મીડિયામાં ચાઇનીઝ પ્રોડક્ટના બહિષ્કારનો વંટોળ સર્જાયો હતો. જો કે દર વર્ષે હોળી-દીવાળી પર ચાઇનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર તેજ થઇ જાય છે અને બાદમાં બધું ઠંડુ પડી જાય છે. વર્ષ 2020માં સરહદ વિવાદ બાદ ચાઇનીઝ કંપનીઓનો ખૂબ જ વિવાદ થયો હતો પરંતુ આ વખતે પણ ચીનનો વિરોધ સોશિયલ મીડિયા પૂરતો જ સીમિત રહ્યો હતો.
ગત વર્ષે ભારત-ચીન સરહદ વિવાદ બાદ જ્યારે ચીન અને ચાઈનીઝ વસ્તુઓનો વિરોધ શરૂ થયો તો એવું લાગ્યું હતું કે ઘરેલુ મોબાઈલ કંપનીઓના સારા દિવસો આવી રહ્યા છે. લાવા અને માઈક્રોમેક્સે પોતાના અનેક ફોન લોન્ચ પણ કર્યા પરંતુ હંમેશાની માફક ભારતીયોએ ચાઈનીઝ ફોન જ ખરીદ્યા. તેનું પ્રમાણ એ છે કે ગત વર્ષે ભારતમાં 14.5 કરોડ સ્માર્ટફોન વેચાયા તેમાં ચાઈનીઝ કંપનીઓની ભાગીદારી 77 ટકા જેટલી છે જે 2019ના વર્ષની સરખામણીએ 5 ટકા વધારે છે.
ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં હાલ ભલે 5G નેટવર્ક શરૂ નથી થયું પરંતુ 5G સ્માર્ટફોનનું ઘોડાપૂર ઉમટ્યું છે. બજારમાં 20,000 કરતા પણ ઓછા રૂપિયામાં 5G સ્માર્ટફોન ઉપલબ્ધ છે. દેશમાં ટૂંક સમયમાં જ 5G સેવા શરૂ થવાની છે અને આ સંજોગોમાં લોકો 5G ફોન ખરીદવાનું જ પસંદ કરશે. બજારની માંગ અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સૌથી વધારે 5G ફોન ચાઈનીઝ કંપનીઓ જ લોન્ચ કરશે. રિસર્ચ ફર્મ કૈનેલીજના અહેવાલ પ્રમાણે સરહદ મામલે ભારત-ચીનનો રાજકીય તણાવ શાઓમી, ઓપો અને વીવો જેવી સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓ પર સાવ ન કહી શકાય તેવો પ્રભાવ પાડી શક્યો છે.
(સંકેત)