- દેશમાં CNG-PNG તરફ લોકોનો વધતો ઝોક
- આગામી સમયમાં સીએનજી-પીએનજીનો ઉપયોગ ઉચ્ચ સ્તરે હશે
- ક્રિસિલ રેટિંગ અનુસાર ગેસનો વપરાશ 25-27 ટકા સુધી વધશે
નવી દિલ્હી: દેશમાં જ્યારે એક તરફ પેટ્રોલ-ડીઝલની કિંમતો ભડકે બળી રહી છે ત્યારે બીજી તરફ લોકોમાં સીએનજી અને પીએનજી તરફનો ઝોક વધ્યો છે. આગામી સમયમાં તેનો ઉપયોગ ઉચ્ચ સ્તરે પહોંચવાની સંભાવના છે. ક્રિસીલ રેટિંગ અનુસાર ડોમેસ્ટિક અને ઔદ્યોગિક વપરાશ વધતા ઓછામાં ઓછા એક ક્વાર્ટર સુધી નેચરલ ગેસના વેચાણમાં તેજ વૃદ્વિના સંજોગો છે.
ક્રિસિલ રેટિંગ અનુસાર આ નાણાકીય વર્ષમાં 25-27 ટકા સુધી ગેસનો વપરાશ વધવાની સંભાવના છે કેમ કે પરિવહન અને ઔદ્યોગિક પ્રવૃત્તિમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ સાથે જ પેટ્રોલ અને ડીઝલ કરતા ગેસની ઓછી કિંમતને કારણે પણ ફાયદો થઇ રહ્યો છે.
એજન્સીએ વધુમાં ઉમેર્યુ હતું કે, આ રીતની મજબૂત વૃદ્વિથી સિટી ગેસ વિતરકોનો નફો ઘણો જ જોરદાર આશરે 28 ટકા રહેવાની સંભાવના છે. જો કે એલએનજી આ નફા પર આંશિક અસર પાડશે.
મજબૂત બેલેન્સશીટથી વિતરકોના સ્થિર ક્રેડિટ પોર્ટફોલિયોને સમર્થન મળશે. નાણાંકીય વર્ષ 2020-21 દરમિયાન સિટી ગેસની માત્રામાં 13 ટકાનો ઘટાડો જોવાયો હતો. તેનું કારણ છે કે સીએનજી અને પીએનજી બંનેની માંગ કોરોના દરમિયાન ઘટી ગઈ હતી જેની કુલ સિટી ગેસ વપરાશમાં 90 ટકા હિસ્સેદારી છે.
ગત વર્ષથી ઉલટું આ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં લોકડાઉનની ઓછી અસર જોવાઇ હતી અને વાહનોનું પરિવહન અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ગત વર્ષની તુલનાએ 130 ટકા વધુ રહી છે તેવું ક્રિસિલ રેટિંગ્સમાં સિનિયર ડાયરેક્ટરે કહ્યું હતું.