Site icon Revoi.in

કોરોના મહામારી વચ્ચે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રત્યે લોકો વધુ સજાગ બન્યા

Social Share

નવી દિલ્હી: ઘણા લાંબા સમયથી આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં વીમો સૌથી ગૌણ બાબત રહેતો અને આપણે મોટા ભાગે તેની ઉપેક્ષા જ કરતા હતા. જો કે જ્યારથી કોરોના મહામારીએ દસ્તક દીધી છે ત્યારથી વીમાને લઇને લોકોની વિચારસરણીમાં ધરમૂળથી પરિવર્તન જોવા મળ્યું છે. લોકો હવે પોતાને અનુરૂપ યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લેવામાં ખાસ્સી સજાગતા કેળવતા થયા છે, અને આ વીમો આખા પરિવારનો હોવો જોઇએ કે પછી દરેક વ્યક્તિનો સ્વતંત્ર હોવો જોઇએ તેને લઇને પણ ખાસ ધ્યાન આપતા થયા છે.

જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમમાં એપ્રિલથી જૂન 2020 દરમિયાન મોટો ઉછાળો આવ્યો છે. હેલ્થ ઇન્શ્યોરન્સ હવે નોન-લાઇફ ઇન્શ્યોરર્સમાં સૌથી મોટો હિસ્સો ધરાવતો થઇ ગયો છે, જેનો અલગ-અલગ વીમાના પ્રીમિયમમાં 29.7 ટકા જેટલો ઉંચો હિસ્સો છે.

ગત વર્ષમાં ભારતીયો હેલ્થકેર ઇન્ડસ્ટ્રી પ્રત્યે ખૂબ જ સજાગ બન્યા છે અને પોતાની જરૂરિયાત સમજીને યોગ્ય હેલ્થ ઇન્શ્યોરન્સ ઓપ્શન શોધતા થયા છે, જેમાં શક્ય હોય તેટલી સારી ટ્રીટમેન્ટ મેળવવાની સાથે પોતાના લોંગ-ટર્મ ઇશ્યૂ પણ સમાવિષ્ટ થઇ જાય તેનું તેઓ ખાસ ધ્યાન રાખે છે.

નોંધનીય છે કે, કોરોના મહામારી જેવી અણધારી આફત બાદ લોકો ખાસ કરીને પોતાના અને પરિવારના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ થયા છે. આ જ કારણોસર હવે અણધારી બીમારીઓ સામે સ્વરક્ષણ તેમજ ખર્ચને પહોંચી વળવા માટે લોકો હવે હેલ્થ ઇન્શ્યોરન્સ ઉતારવાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.

(સંકેત)