- જનતાને મોંઘવારીનો માર સહન કરવો પડશે
- આગામી સમયમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો ભાવ વધશે
- AC, ફ્રીજ સહિતના એપ્લાયન્સીસ વધુ મોંઘા થશે
નવી દિલ્હી: કોરોનાના સંકટકાળ દરમિયાન મોટા ભાગની ચીજવસ્તુઓના ભાવ વધતા લોકોની કમર તૂટી ચૂકી છે ત્યારે જનતાએ વધુ મોંઘવારીનો માર સહન કરવાની તૈયારી રાખવી પડશે. હકીકતમાં, આ વખતે એસી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા કન્ઝ્યુમર એપ્લાયન્સીસની કિંમતો વધી શકે છે. કોમોડિટીની ભાવમાં વધારાને કારણે કન્ઝ્યુમર એપ્લાયન્સીસ નિર્માતા પ્રોડક્ટની કિંમતો 10-15 ટકા વધારી શકે છે.
કોરોના મહામારીને કાબૂમાં રાખવા માટે દેશના અનેક રાજ્યોમાં લોકડાઉન જેવા નિયંત્રણો લાગુ કરાયા છે જેના કારણે એક તરફ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સહિતની બિન-આવશ્યક ચીજોનું વેચાણ સ્થાયી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે, જ્યારે એપ્લાયન્સીસ બનાવવામાં વપરાતા રો-મીટિરયલ્સ-કોમોડિટી ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.
આ પૂર્વે ફેબ્રુઆરી મહિનામાં કંપનીઓએ કન્ઝ્યુમર એપ્લાયન્સીસની કિંમતો વધારી હતી જે માટે મુખ્ય કોમ્પોનન્ટ્સ અને મેટલના વૈશ્વિક ભાવ વૃદ્ધિને જવાબદાર ગણાવી હતી. હાલ તો ઘણા રાજ્યોમાં લોકડાઉન હોવાથી એપ્લાયન્સીસના વેચાણને ફટકો લાગ્યો છે.
એક એહવાલ મુજબ કોમોડિટીના વૈશ્વિક ભાવમાં સતત વધારો થયો છે જેમાં કોરકોમોડિટી સીઆરબી ઇન્ડેક્સમાં એપ્રિલ 2021માં વાર્ષિક તુલનાએ 70 ટકાની વૃદ્ધિ આવી છે. કિંમતો વધતા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સના વેચાણ પર પ્રતિકુળ અસર થઇ શકે છે.
કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પ્રોડક્ટોમાં એસી, રેફ્રિજરેટર્સ, વોટર હીટર, વોશિંગ મશીનની ખરીદી વધુ ખર્ચાળ બનશે. તેની માટે બે કારણો જવાબદર છે એક તો કમ્પોનન્ટની આયાત પડતર મોંઘ થવી અને કોમોડિટીના ભાવમાં વૃદ્ધિ છે.
હાલમાં, ફિનિશ્ડ પ્રોડક્ટ્સ એટલે કે તૈયાર પ્રોડક્ટની આયાત કરવી ખર્ચાળ છે કારણ કે સરકારે અન્ય દેશોમાંથી લાવવામાં આવતા સંપૂર્ણપણ તૈયાર કરાયેલા યુનિટ્સ પર 20 ટકા આયાત ડ્યૂટી લગાવી છે. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021 દરમિયાન વેચાણ વૃદ્ધિદર અનુક્રમે 10 ટકા અને 15 ટકા નોંધાયો હતો.