- હાલમાં નિકાસ માટે જરૂરી કન્ટેઇનરની અછત સર્જાઇ રહી છે
- કન્ટેઇનરની અછતને કારણે ભારતની ખાંડની નિકાસ 12 ટકા ઘટશે
- ખાંડની નિકાસ કુલ 12 ટકા ઘટીને 50 લાખ ટન રહી શકે છે
નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અર્થતંત્ર પર વિપરિત અસર પડી છે અને હાલમાં કન્ટેઇનરની અછત સર્જાઇ છે અને તેની સીધી અસર નિકાસ કામકાજ પર પડી રહી છે. ચાલુ વર્ષે ભારતમાંથી ખાંડની કુલ નિકાસ 12 ટકા ઘટીને 50 લાખ ટન રહી શકે છે જેનું કારણ છે કન્ટેઇનરની શોર્ટેજ. આ જ કારણોસર વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ વધી રહ્યા છે અને હાલ ચાર વર્ષની ટોચે પહોંચી ગયા છે.
વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા ખાંડ ઉત્પાદક દેશમાંથી ખાંડની ઓછી નિકાસ રહેશે અને ખાસ કરીને વર્ષ 2021ના પ્રથમ 6 માસમાં હરિફ બ્રાઝિલને ચાલુ વર્ષે શિપમેન્ટ વધારવાની તક પુરી પાડશે. બ્રાઝિલ પણ ખાંડનો જંગી નિકાસકાર દેશ છે.
આ અંગે નેશનલ ફેડરેશન ઑફ કો-ઓપરેટિવ સુગર લિમિટેડના એમડી પ્રકાશ નાયકનવારે કહ્યું હતું કે, કન્ટેઇનરની અછતે અમારી ખાંડની નિકાસ મર્યાદિત કરી દીધી છે અને અમે માત્ર 30 લાખ ટન ખાંડના નિકાસ કરાર કર્યા છે પરંતુ માત્ર અત્યાર સુધી માત્ર 10 લાખ ટનની નિકાસ કરવામાં સફળ થયા છીએ.
તેમણે કહ્યુ કે, ભારત સપ્ટેમ્બર 2021માં સમાપ્ત થતી સુગર સીઝનમાં 50 લાખ ટન ખાંડની નિકાસ કરી શકે છે. જ્યારે પાછલી સીઝનમાં 57 લાખ ટન ખાંડની નિકાસ કરી હતી.
ચાલુ સીઝન માટે 50 લાખ ટન નિકાસનો ટાર્ગેટ સરકારી અંદાજની તુલનાએ નીચો છે. ભારત સરકારે ચાલુ વર્ષે 60 લાખ ટનની નિકાસ માટે પ્રતિ ટન દીઠ 5833 રૂપિયા (80.55 ડોલર)ની સબસિડીને મંજૂરી આપી છે.
(સંકેત)