- આ વર્ષ વ્હિકલ માર્કેટને ફટકો પડવાની સંભાવના
- પેસેન્જર વ્હિકલ માર્કેટ વાર્ષિક તુલનાએ 11 થી 13 ટકા વધી શકે છે: ક્રિસિલ
- પેસેન્જર વ્હિકલ માર્કેટ ચાલુ વર્ષે 15 થી 18 ટકાના દરે વધશે: ઇન્ડિયા રેટિંગ્સ
નવી દિલ્હી: આ વર્ષે પેસેન્જર વ્હિકલ માર્કેટને ફટકો પડે તેવી સંભાવના છે. અત્યારે દેશમાં સેમીકન્ડક્ટરની અછત જોવા મળી રહી છે જેને ધ્યાનમાં રાખીને હવે રેટિગં એજન્સી ક્રિસિલ અને ઇન્ડિયા રેટિંગ્સે ચાલુ વર્ષ માટેના પેસેન્જર કાર માર્કેટના વૃદ્વિદરનો અંદાજ ચાર ટકા અને ત્રણ ટકા ઘટાડી દીધો છે.
વૈશ્વિક સ્તરે ચીપની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે જ્યારે બીજી તરફ નવી ક્ષમતા સ્થાપિત કરવામાં પણ ઢીલ થઇ રહી છે જેને કારણે પુરવઠા પર દબાણ આવી શકે છે.આગામી કેલેન્ડર વર્ષના બીજા છ માસિકના અંત સુધીમા જ સ્થિતિ ફરીથી થાળે પડે તેવી સંભાવના છે.
ક્રિસિલ અનુસાર ચાલુ નાણાંકીય વર્ષ 2022માં પેસેન્જર વ્હિકલ માર્કેટ વાર્ષિક તુલનાએ 11 થી 13 ટકા વધી શકે છે જ્યારે અગાઉ 14થી 16 ટકા વૃદ્વિદરનો અંદાજ મૂકાયો હતો. ઇન્ડિયા રેટિંગ્સના મતે પેસેન્જર વ્હિકલ માર્કેટ ચાલુ વર્ષે 15 થી 18 ટકાના દરે વધશે જ્યારે અગાઉ 18 થી 22 ટકાના દરે વધવાનો અંદાજ હતો.
અત્યારે માર્કેટના ચિત્રની વાત કરીએ તો માંગ અને પૂરવઠામાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે જેને કારણે કેટલાંક વાહનોના મોડલનો વેઇટિંગ પિરિયડ 2 કે 3 મહિનાથી વધીને હાલમાં 6 થી 9 મહિનાનો થઇ ગયો છે. ઇન્ડિયા રેટિંગ્સે વધુ ઘટવાના જોખમ અંગે ચેતવ્યા છે.
સેમી કન્ડક્ટરની અછત ઉપરાંત ચીપની પણ અછત છે ચીપના સૌથી મોટા વપરાશકર્તાઓમાં ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રીની મજબૂત માંગ છે. ચાઇનીઝ કંપનીઓ દ્વારા સેમિકન્ડક્ટરની મોટા પાયે સંગ્રહખોરી કરવામાં આવી રહી છે જેને કારણે પણ વૈશ્વિક સ્તરે સેમી કન્ડક્ટરની અછત પણ જોવા મળી રહી છે.