નવી દિલ્હી: વર્ષ 2020-21 અને 2019-20ના પાક વર્ષ માટે સરકારે મોટા ભાગના પાક વીમા દાવાઓનું સમાધાન કર્યું છે તે તે વાત પરથી સાબિત થાય છે કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ વર્ષ 2020-21માં વાર્ષિક તુલનાએ ખેડૂતોના પાક વીમા 60 ટકા ઘટીને 9570 કરોડ રૂપિયા થયા છે.
આપને જણાવી દઇએ કે વર્ષ 2019-20ના પાક વર્ષમાં રૂ. 27,398 કરોડના પાક વીમાના દાવા થયા હતા.
જુની પાક વીમા યોજનાઓમાં સુધારાની સાથે પીએમએફબીવાયની શરૂઆત 2016-17માં થઇ હતી. આ યોજનાના સંચાલન દિશાનિર્દેશોમાં રવી 2018 અને ખરીફ 2020માં સંશોધન કરાયુ હતુ. તેનો ઉદ્દેશ્ય ખેડૂતો સુધી યોજનાનો સમગ્ર લાભ સમયસર પહોંચાડવાનો હતો.
આંકડાઓ અનુસાર વર્ષ 2020-21માં 612 લાખ ખેડૂતોએ 445 લાખ હેક્ટર ખેતરની જમીનનો વીમો કરાવ્યો હતો, જેનું કુલ વીમા રકમ રૂ. 1,93,767 કરોડ હતી. વર્ષ 2020-21માં કુલ દાવા રૂ. 9,570 કરોડના હતા, જેમાં ખરીફ સીઝનની માટેના વીમા દાવા રૂ. 6,779 કરોડ અને રવી સીઝનના દાવા રૂ. 2,792 કરોડ હતા.
રાજસ્થાનમાં સૌથી વધારે પાક વીમા દાવા રૂ. 3,602 કરોડના નોંધાયા છે. ત્યારબાદ રૂ. 1,232 કરોડની સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમાંકે અને હરિયાણા રૂ. 1112.8 કરોડની સાથે ત્રીજા ક્રમાંકે છે.
નોંધનીય છે કે, પાક વર્ષ 2019-20માં 613 લાખ ખેડૂતોએ 501 લાખ હેક્ટર ખેતરની જમીનનો વીમો કરાવ્યો હતો અને કુલ વીમા રકમ રૂ. 2,19,226 કરોડ હતી. પાક વર્ષ 2019-20માં ખરીફ સીઝનમાં રૂ. 21,496 કરોડના વીમા દાવા થયા.