- દેશમાં વર્ષ 2020માં કુદરતી ગેસના ઉત્પાદનમાં થયો ઘટાડો
- નીચા ભાવ સહિતની અન્ય પ્રતિકૂળતાઓને કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો
- 27642 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર ઉત્પાદન થયું
નવી દિલ્હી: દેશમાં વર્ષ 2020માં કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. નીચા ભાવ સહિતની અન્ય પ્રતિકૂળતાઓને પગલે દેશમાં વર્ષ 2020ના વર્ષમાં કુદરતી ગેસના ઉત્પાદનમાં 11.4 ટકાનો ઘટાડો થતા તે 27642 મિલિયન મેટ્રિક સ્ટાન્ડર્ડ ક્યુબીક મીટર ઉતરી આવ્યું હતું.
કુદરતી ગેસના ઉત્પાદનમાં ઘટાડા પાછળ વિવિધ પરિબળો જવાબદાર હતા. જેમાં મુખ્યત્વે આ ક્ષેત્રે વર્તમાન કાર્યરત કંપનીઓ દ્વારા ખાસ કોઈ ઇન્સેન્ટીવ ન મળતા નવા પ્રોજેક્ટ ઉભા કરવામાં ઉદાસીનતા દાખવાઈ હતી. આ ઉપરાંત પૂરતા ખરીદદારો ન હોવાથી નીચા ભાવ સહિતની પ્રતિકૂળતાનો માહોલ રચાયો હતો.
આ ઉપરાંત લાંબા લૉકડાઉનના કારણે તમામ સ્તરે ગેસની માંગમાં ઘટાડો થયો હતો. વિવિધ ઇન્ડસ્ટ્રીની ગેસની માંગ પર નજર કરીએ તો ફર્ટિલાઇઝર ક્ષેત્રમાં ૨૮ ટકા, પાવર ક્ષેત્રમાં ૨૩ ટકા, સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં ૧૬ ટકા, રીફાઇનરીમાં ૧૨ ટકા અને પેટ્રો. કેમી. ઇન્ડ.માં ૮ ટકા વપરાશ થાય છે. પરંતુ તેમાં ઘટાડો થયો છે.
સરકાર દ્વારા તાજેતરમાં સ્થાનિક ફીલ્ડમાંથી ઉત્પન્ન થતા ગેસના ભાવ ૧.૭૯ ડોલર/ એમએમબીટીયુ નક્કી કરાયા છે. જે ઑલટાઇમ નીચી સપાટીએ છે. જો કે, અલ્ટ્રી ડીપ વોટરગેસ ફીલ્ડના ભાવ ૪.૦૬ ડોલર/ એમએમબીટીયુ છે. આમ, નીચા ભાવની પણ ઉત્પાદન પર પ્રતિકૂળ અસર થવા પામી છે.
(સંકેત)