- ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે ઉથલપાથલ
- ક્રિપ્ટોકરન્સી પર બિલની અટકળો વચ્ચે રોકાણકારોએ એક જ ઝાટકે 1000 કરોડ ઉપાડી લીધા
- રોકાણકારોને ક્રિપ્ટોકરન્સી પરનો વિશ્વાસ ડગમગ્યો
નવી દિલ્હી: ભારતમાં ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીને લઇને સરકાર બિલ રજૂ કરશે તેવી વહેતી અટકળો વચ્ચે ગભરાયેલા રોકાણકારોએ એક જ ઝાટકે માર્કેટમાંથી 1000 કરોડ ઉપાડી લીધા છે.
એક તરફ વૈશ્વિક સ્તરે નવા ઓમિક્રોન વેરિએન્ટની દહેશત વધી રહી છે તેને કારણે માર્કેટ પર દબાણ બની રહ્યું છે અને કેટલીક ક્રિપ્ટોકરન્સી બંધ થવાની આશંકા વચ્ચે રોકાણકારો ક્રિપ્ટોકરન્સીમાંથી પોતાનું રોકાણ પાછુ ખેંચી રહ્યા છે. હવે ભારતમાં ક્રિપ્ટોકરન્સી પર રોક લાગશે તેવી અફવાએ પણ જોર પકડ્યું છે. છેલ્લા 1 સપ્તાહમાં જ રોકાણકારોએ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરેલા તેમના 1000 કરોડથી વધુ પૈસા પાછા ખેંચી લીધા છે.
સરકાર સંસદના ચોમાસા સત્ર દરમિયાન ક્રિપ્ટોકરન્સીને લઇને બિલ લાવવાની હતી. જો કે હજુ સુધી બિલ રજૂ થયું નથી. એક તરફ આ બિલની અફવાને કારણે પણ ક્રિપ્ટો માર્કેટમાં છેલ્લા 1 મહિનાથી ઉથલપાથલ જોવા મળી રહી છે. લોકો વધુને વધુ ક્રિપ્ટોકરન્સીનું વેચાણ કરી રહ્યા છે.
ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધના ડર અને મૂંઝવણને કારણે હવે લોકોને ક્રિપ્ટો પરથી વિશ્વાસ ડગમગવા લાગ્યો છે. રોકાણકારોએ 11 થી 17 ડિસેમ્બર વચ્ચેના માત્ર એક સપ્તાહમાં જ રેકોર્ડ 142 મિલિયન ડોલર અર્થાત્ લગભગ રૂ.1,073 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે.
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ભારતની જ વાત કરીએ તો ભારતમાં અંદાજે 1.5 થી 2 મિલિયન જેટલા ક્રિપ્ટોકરન્સી રોકાણકારો છે.