Site icon Revoi.in

ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો ફૂગ્ગો ફૂટ્યો ! 1 જ દિવસમાં બજાર મૂડીમાં 1 ટ્રિલિયન ડોલરનું જંગી ધોવાણ

Social Share

નવી દિલ્હી: ક્રિપ્ટોકરન્સીમાં તેજીનો ફુગ્ગો હવે ફૂટી ચૂક્યો છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે કડાકો બોલી ગયો હતો. મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીના મૂલ્યમાં ભારે ધોવાણને કારણે એના મૂલ્યમાં એક સાથે 1 ટ્રિલિયન ડોલરનું જંગી ધોવાણ થયું છે. ક્રિપ્ટોકરન્સી બિટકોઇન અને ઇથેરિયમની કિંમતમાં કડાકો બોલી ગયો છે.

ઘણા દિવસોથી બિટકોઇનની કિંમતમાં અણધારી તેજી બાદ અચાનક જ તેના મૂલ્યમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષના માર્ચ મહિના બાદ બિટકોઇન તેમજ ઇથેરિયમની કિંમતમાં 1 દિવસમાં મોટું ધોવાણ થયું છે.

ચીનના નિવેદનથી ક્રિપ્ટોકરન્સીના મૂલ્યને અસર થઇ

ચીનની મધ્યસ્થ બેંકે એવું નિવેદન આપ્યું હતું કે, ડિજીટલ ટોકનની ચૂકવણીના સ્વરૂપમાં ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ચીનની પીપલ્સ બેંક ઑફ ચાઇનાના આ નિવેદનથી ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય પ્રભાવિત થયું હતું.

ગત એપ્રિલ મહિનામાં બિટકોઇનની કિંમત વિક્રમજનક રીતે 65000 ડોલરની સપાટીએ પહોંચી હતી. હવે બિટકોઇનની કિંમત કડાકા સાથે 30,000 ડોલર નજીક આવી ગઇ છે. આ લેવલથી વર્તમાન સમયમાં કિંમત લગભગ અડધી થઇ ગઇ છે. અગાઉ બિટકોઈનની કિંમતમાં 22 ટકાનો ઘટાડો થયો હતો અને તે 33,500 ડોલર થઈ ગયો હતો.

નોંધનીય છે કે, અગાઉ જ્યારે કરન્સીના મૂલ્યમાં વધારો થઇ રહ્યો હતો ત્યારે નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી હતી કે ક્રિપ્ટો એસેટમાં આગામી સમયમાં અફરા-તફરી નોંધાય તેવી શક્યતા છે. આ સંભાવના સાચી પડી હતી અને આગામી સમયમાં હજુ પણ ક્રિપ્ટોકરન્સીનું મૂલ્ય ઘટે તેવી શક્યતા નકારી શકાય નહીં.