– હવે શેરધારકો સ્ટોક એક્સચેન્જથી પ્રત્યક્ષ શેરનું ખરીદ વેચાણ કરી શકશે
– ભારતમાં હાલમાં BSE, NSE, MCX જેવા પ્રમુખ સ્ટોક એક્સચેન્જ કાર્યરત
– જો કે આ નિર્ણયથી બ્રોકરો રોજગારી ગુમાવે તેવી શક્યતા
હવે શેરધારકોએ શેર્સની ખરીદી કે વેચાણ કરવા માટે એજન્ટનો સંપર્ક કરવાની આવશ્યકતા નહીં રહે. બજાર નિયામક સેબીએ ડાયરેક્ટ માર્કેટ એક્સેસની મંજૂરી આપી દીધી છે. જેને કારણે હવે ગ્રાહકો સીધા શેર બજાર સાથે શેરનો ખરીદ વેચાણનો વ્યવસાય કરી શકશે.
સેબી દ્વારા લેવાયેલા આ નિર્ણયને કારણે હવે શેરબજાર સાથે જોડાયેલા ગ્રાહકો સીધા જ સ્ટોક એક્સચેન્જ ખાતે સૌદા કરી શકશે.
ભારતમાં હાલમાં BSE, NSE, MCX જેવા પ્રમુખ સ્ટોક એક્સચેન્જ કાર્યરત છે. ડાયરેક્ટ માર્કેટ ઍક્સેસ એક પ્રકારનું નાણાકીય બજારો સાથેનું ગ્રાહકનું સીધું જોડાણ છે. જે નાણાકીય બજારના ટ્રાન્ઝેક્શનને પૂર્ણ કરવાનું મુખ્ય કામ કરે છે. એક્સચેંજ એ બજારોમાં ગોઠવાયેલા અન્ય બજારો છે જ્યાં શેરો, ચીજવસ્તુઓ, ડેરિવેટિવ્ઝ અને અન્ય નાણાકીય સાધનોનો વેપાર થાય છે. વિશ્વમાં એવા કેટલાક જાણીતા એક્સચેન્જો છે જેમાં ડી.એમ.એ. પદ્ધતિ અત્યારે કાર્યરત છે. ન્યુયોર્ક સ્ટોક એક્સચેંજ (એનવાયએસઇ), નાસ્ડેક અને લંડન સ્ટોક એક્સચેંજ (એલએસઈ) આજે ડી. એમ. એ. ની સેવાઓ તેમના ગ્રાહકોને પૂરી પાડી રહી છે.
પ્રવર્તમાન સમયમાં શેરબજારમાં શેર્સની લે-વેચની પ્રક્રિયા વિશે વાત કરવામાં આવે તો એક બ્રોકર અને ડીલરો ગ્રાહકોને લે-વેચની તેમજ ગ્રાહક ઉપયોગી અન્ય સુવિધાઓ પૂરી પાડી રહ્યાં છે. જે આગામી દિવસોમાં એક્સચેન્જ દ્વારા પૂરી પાડવામાં આવશે. ડી.એમ.એ પદ્વતિને કારણે હાલમાં કાર્યરત બ્રોકરો માટે ખરાબ સમય આવી શકે છે. હાલમાં નાણાકીય બજારોના કુલ વેપારમાં 63 ટકા જેટલો વેપાર નોંધણીકૃત બ્રોકરોના માધ્યમથી થઇ રહ્યો છે ત્યારે સેબીના આ નિર્ણયથી હવે બ્રોકરોનું કામ ઓછું થાય અને રોજગારી પણ ગુમાવે તેવો ભય પ્રવર્તિત છે.
મહત્વનું છે કે, સેબીના આ નિર્ણયથી એક તરફ શેર ધારકોને તો સારી સુવિધા પ્રાપ્ત થશે જ પરંતુ બીજી તરફ બ્રોકરો કામ ગુમાવે તેવી પણ શક્યતા છે. સેબી આ નિર્ણય બાદ બ્રોકરો માટે શું નિર્ણય લે છે તે તો સમય જ કહેશે.
(સંકેત)