સરકાર માટે નવા વર્ષે સકારાત્મક સમાચાર, ડિસેમ્બરમાં GST કલેક્શન 13% વધી 1.29 લાખ કરોડ
- સરકાર માટે નવા વર્ષે સારા સમાચાર
- ડિસેમ્બરનું જીએસટી કલેક્શન 13 ટકા વધ્યું
- જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.29 લાખ કરોડ થયું
નવી દિલ્હી: નવા વર્ષનો આરંભ સરકાર માટે શુભારંભ સાબિત થયો છે. ડિસેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન 13 ટકા વધીને 1.29 લાખ કરોડ થયું છે. જો કે આ કલેક્શન અગાઉના નવેમ્બર મહિનાના 1.31 લાખ કરોડની તુલનાએ ઓછું છે. આપને જણાવી દઇએ કે સતત છઠ્ઠા મહિને સરકારનું જીએસટી કલેક્શન 1 લાખ કરોડથી ઉપર રહ્યું છે.
ડિસેમ્બર મહિનામાં જીએસટીની વાત કરીએ તો ડિસેમ્બરના અંતે કુલ જીએસટી કલેક્શન 1,29,780 કરોડ રૂપિયા હતુ. તેમાં સીજીએસટીના 22,578 કરોડ, એસજીએસટીના 28,658 કરોડ, આઇજીએસટીના 69,155 કરોડ રૂપિયા હતા. IGSTની આ રકમમાં આયાત વેરાના 3,527 કરોડ અને સેસ (ઉપકર) પેટેને 9,389 કરોડનો સમાવેશ થાય છે.
ગત વર્ષના સમાન સમયગાળા કરતાં જીએસટીનું કલેક્શન 1.15 લાખ કરોડ રૂપિયા કરતાં 13 ટકા વધુ છે અને ડિસેમ્બર 2019ની તુલનાએ 26 ટકા વધારે છે. ઑક્ટોબરથી ડિસેમ્બરના ક્વાર્ટરનું સરેરાશ માસિક જીએસટી કલેક્શન 1.30 લાખ કરોડ રહ્યું છે.
મંત્રાલય અનુસાર, અર્થતંત્રમા રિકવરી, કરચોરી વિરોધી અભિયાન અને બનાવટી બિલરો સામે પગલાંના લીધે જીએસટીની આવકમાં વધારો થયો હોવાનું મંત્રાલયે જણાવ્યુ હતું. આ ઉપરાંત કાઉન્સિલ દ્વારા ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર સુધારવા માટે લેવાયેલા વિવિધ પગલાંએ પણ કરવેરા વૃદ્વિમાં ફાળો આપ્યો છે.