Site icon Revoi.in

કોરોના મહામારીને કારણે ગ્રામીણ અર્થતંત્ર પ્રભાવિત, ખાદ્યાન્નનું વધુ ઉત્પાદન છતાં ગ્રામીણ માંગ ઘટવાની સંભાવના

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અર્થતંત્રને તો ફટકો પડ્યો જ છે પરંતુ સાથોસાથ ખાસ કરીને ગ્રામીણ અર્થતંત્રને પણ વિપરિત અસર થઇ છે. તેનો ચિતાર એ બાબતથી મેળવી શકાય છે કે આ વર્ષે રેકોર્ડ કૃષિ ઉત્પાદન થવા છતાં FY22માં ગ્રામીણ માંગ ઓછી રહેવાનો અંદાજ છે. દેશના ગામડાઓમાં કોરોના વાયરસના પ્રકોપ ઉપરાંત ગ્રામીણ મજૂરીમાં ઘટાડો જેવા પરિબળોને કારણે આ અસર થવાની સંભાવના છે.

ગત વર્ષે દેશમાં સારું ચોમાસું જોવા મળ્યું હતું અને સારા ચોમાસાને કારણે દેશમાં ચોખા, ઘઉં અને દાળનું નોંધપાત્ર ઉત્પાદન જોવા મળ્યું હતું જેને કારણે ચાલુ પાક વર્ષ દરમિયાન ખાધાન્ન ઉત્પાદન 2.66 ટકા વધીને 305.43 મિલિયન ટનના રેકોર્ડ પર પહોંચવાનું અનુમાન છે. ક્રોપ યર 2019-20માં ઘઉં, દાળ અને મોટા અનાજના ખાધાન્નનું ઉત્પાદન રેકોર્ડ 297.5 મિલિયન ટન રહ્યું હતું.

કોરોના મહામારીની બીજી લહેરને કારણે દેશ ગંભીર રીતે પ્રભાવિત થયો છે પરંતુ પ્રથમ લહેરની તુલનાએ નુકશાન ઓછું થવા પામ્યું છે તેવું ઇન્ડિયા રેટિંગ્સના ચીફ ઇકોનોમિસ્ટ દેવેન્દ્ર પંત અને મુખ્ય અર્થશાસ્ત્રી સુનિલ કુમાર સિંહાએ જણાવ્યું હતું.

તેઓએ કહ્યું છે કે થોડા સમયમાં ગ્રામીણ વિસ્તારોમાં માંગની સ્થિતિ સ્પષ્ટ થવાની સંભાવના છે.બીજી તરફ હવામાન વિભાગે આગામી ચોમાસુ સામાન્ય હોવાનો અંદાજ બાંધ્યો છે.