- કોરોના કાળમાં પણ રેલવેની આવકમાં થયો વધારો
- સપ્ટેમ્બરમાં રેલવેની માલભાડાની આવકમાં 13.54%ની વૃદ્વિ
- રેલવે દ્વારા 10.212 કરોડ ટન માલનું વહન કરાયું
નવી દિલ્હી: કોરોના કાળમાં મોટા ભાગના સેક્ટરમાં મંદીનો દોર જોવા મળ્યો છે ત્યારે રેલવેએ અનેક પડકારો છત્તાં મહત્વપૂર્ણ સિદ્વિ હાંસલ કરી છે. કોરોના કાળ હોવા છત્તાં સપ્ટેમ્બરમાં રેલવેની માલભાડાની આવકમાં 13.54 ટકાની વૃદ્વિ જોવા મળી છે. ભારતીય રેલવેએ એક નિવેદનમાં આ માહિતી આપી છે. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રેલવે દ્વારા 10.212 કરોડ ટન માલનું વહન કરવામાં આવ્યું હતું. જે 15.35 ટકાની વૃદ્વિ દર્શાવે છે.
આ કારણોસર ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં રેલવેની માલભાડાની આવક રૂ.9896.86 કરોડ રહી છે. જે ગત વર્ષની સરખામણીમાં રૂ.1180.57 કરોડ વધારે છે. જે 13.54 ટકાની વૃદ્વિ દર્શાવે છે.
ભારતીય રેલવેના નિવેદન અનુસાર સપ્ટેમ્બરમાં 4.289 કરોડ ટન કોલસા, 1.353 કરોડ ટન આયર્ન ઓર, 63 લાખ ટન અનાજ, 53.4 લાખ ટન ખાતર, 660.5 લાખ ટન સિમેન્ટ, 38.5 લાખ ક્લિન્કર અને 35.2 લાખ ટન મિનરલ ઓઇલનું વહન કરવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે હાલમાં રેલવે એક નેશનલ રેલ પ્લાન પર કાર્યરત છે. પ્રાથમિક અભ્યાસ મુજબ વર્ષ 2020 સુધીમાં રેલવે 240 કરોડ ટન જથ્થાનું વહન કરશે જ્યારે વર્ષ 2030માં આ જથ્થો વધીને 320 કરોડ ટન થઇ જશે.
(સંકેત)