- વિક્રમ સંવત 2077 શેરબજાર માટે શુકનિયાળ સાબિત થયું
- આ વર્ષ દરમિયાન મુખ્ય ઇન્ડેક્સમાં 40 ટકા સુધીનું વળતર નોંધાયું
- વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રૂ. 1.36 લાખ કરોડનું (189 અબજ ડોલર)નું રોકાણ કર્યું હતું
નવી દિલ્હી: વિક્રમ સંવત 2077 ભારતીય શેરબજાર માટે શુકનિયાળ સાબિત થયું છે. નાણાંકીય તરલતાના મોરચે કેટલાક સાનુકૂળ પરબિળોને કારણે વિક્રમ સંવત 2077 ભારતીય શેરબજાર માટે છેલ્લા 12 વર્ષમાં સૌથી શ્રેષ્ઠ વર્ષ પૂરવાર થયું છે. આ વર્ષ દરમિયાન મુખ્ય ઇન્ડેક્સમાં 40 ટકા સુધીનું વળતર નોંધાયું છે.
તે ઉપરાંત કોરોના મહામારીની બીજી લહેરનો પ્રકોપ હળવો થયા બાદ અનલોકના વિવિધ તબક્કા દરમિયાન સરકાર દ્વારા રાહતના અનેકવિધ પગલા ભરાતા મહામારીના બીજા તબક્કા બાદ અર્થતંત્રમાં એકધારી વૃદ્વિ જોવા મળી હતી અને તે ઉપરાંત વેક્સિનેશનને કારણે કોરોનાના કેસમાં ઘટાડો તેમજ મહામારી બાદ કોર્પોરેટ ક્ષેત્રની આગેવાન કંપનીઓના પ્રોત્સાહક પરિણામોને કારણે પણ શેરબજારમાં તેજી જોવા મળી હતી.
આ રીતે પરિબળો તેમજ અનેકવિધ સાનુકૂળ અહેવાલો પાછળ વિક્રમ સંવત 2077માં BSE સેન્સેક્સમાં 38 ટકા અને NSE નિફ્ટીમાં 40 ટકા સુધીનું વળતર મળ્યું હતું. ઉંચા વળતરની બીજી તરફ સેન્સેક્સ અને નિફ્ટીએ વર્ષ દરમિયાન ઐતિહાસિક સપાટીઓ હાંસલ કરી હતી. જેમાં ગત મહિને સેન્સેક્સે 62000 અને નિફ્ટીએ 18500ની વિક્રમી સપાટી કુદાવી અનુક્રમે 62245 અને 18604.45ની લાઇફટાઇમ હાઇ સપાટી હાંસલ કરી હતી.
નોંધનીય છે કે, હાલના વિક્રમ સંવત વર્ષ દરમિયાન વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાં રૂ. 1.36 લાખ કરોડનું (189 અબજ ડોલર)નું રોકાણ કર્યું હતું. જ્યારે સ્થાનિક સંસ્થાઓ, મ્યુ. ફંડ, વીમા કંપનીઓએ પાંચ વર્ષ પછી ચાલુ વર્ષે રૂ. 34220 કરોડ પાછા ખેંચી લીધા હતા.