નવી દિલ્હી: કોવિડના રોગચાળા દરમિયાન મોટા ભાગના દેશોમાં લોકડાઉન અને હવાઇ મુસાફરી પર પ્રતિબંધને પગલે હવાઇ મુસાફરોની સંખ્યા પણ તળિયે પહોંચી હતી પરંતુ અનલોક બાદ અને કોવિડના ઘટતા પ્રકોપ વચ્ચે નવેમ્બર, 2021માં તેમાં વૃદ્વિ જોવા મળતા આ આંકડો નવેમ્બરમાં ફરી 1 કરોડનો પાર પહોંચ્યો છે.
ઑક્ટોબરમાં 89.85 લાખની તુલનાએ નવેમ્બરમાં હવાઇ મુસાફરી કરતા સ્થાનિક મુસાફરોની સંખ્યા 17.03 ટકા વધીને 1.05 કરોડ થઇ છે. ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશનએ આ માહિતી આપી છે.
નવેમ્બ મહિનામા ઇન્ડિગોએ સૌથી વધુ 57.06 લાખ મુસાફરો મેનેજ કર્યા હતા અને 54.3 ટકા હિસ્સા સાથે એરલાઇન માર્કેટમાં પ્રભુત્વ મેળવ્યું હતું. સ્પાસઇ જેટે 10.78 લાખ મુસાફરોને મેનેજ કર્યા હતા અને હિસ્સો 10.3 ટકા હતો.
એર ઈન્ડિયા, ગો ફર્સ્ટ (અગાઉ ગો એર તરીકે ઓળખાતી), વિસ્તારા, એર એશિયા ઈન્ડિયા અને એલિયાન્સ એર સહિતની અન્ય એરલાઇન્સે નવેમ્બરમાં અનુક્રમે 9.98 લાખ, 11.56 લાખ, 7.93 લાખ, 6.23 લાખ અને 1.20 લાખ મુસાફરોનું વહન કર્યું હતું.
જાન્યુઆરી-નવેમ્બર 2021 દરમિયાન સ્થાનિક એરલાઇન્સના માધ્યમથી સફર કરનારા મુસાફરોની સંખ્યા 7.26 કરોડ હતી, જે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 556.84 લાખ હતી, જે વાર્ષિક ધોરણે 30.40% અને માસિક દ્રષ્ટિએ 65.50%નો વધારો નોંધાયો છે.
કોરોના વાયરસ મહામારીને કારણે દેશમાં લાદવામાં આવેલા મુસાફરી પ્રતિબંધોને કારણે એરલાઈન્સ ક્ષેત્ર સૌથી વધુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.