- બાબા રામદેવની કંપની Ruchi Soyaને FPO માટે મંજૂરી
- SEBIએ FPO લૉન્ચ કરવા માટે રૂચી સોયાને આપી મંજૂરી
- FPOની કિંમત 4300 કરોડ રૂપિયા રહેશે
નવી દિલ્હી: હાલમાં શેરમાર્કેટમાં પ્રાઇમરી માર્કેટમાં તેજી જોવા મળી રહી છે ત્યારે અનેક કંપનીઓ IPO લાવીને આ તેજીનો ફાયદો ઉઠાવી રહી છે ત્યારે હવે વધુ એક FPOને મંજૂરી આપવામાં આવી છે. FPO લાવવા માટે SEBIએ રૂચી સોયાની અરજી મંજૂર કરી છે. રૂચી સોયાનું માલિકત્વ બાબા રામદેવની પતંજલિ આયુર્વેદ ધરાવે છે. FPOની કિંમત 4300 કરોડ રૂપિયા રહેશે.
પ્રાપ્ત જાણકારી અનુસાર રૂચી સોયાએ જૂન મહિનામાં આ FPOમાટે દસ્તાવેજ દાખલ કર્યા હતા. આ FPO માંથી એકત્રિત થયેલા નાણાંમાંથી અડધાથી વધુનો ઉપયોગ કંપનીના દેવાના બોડને ઘટાડવા માટે કરશે. આ FPO કંપનીને SEBIના લઘુત્તમ 25 ટકા જાહેર શેરહોલ્ડિંગ નિયમનું પાલન કરવામાં મદદ કરશે.
Securities Contract (Regulation) Rules, 1957 મુજબ લિસ્ટેડ કંપનીમાં ન્યૂનતમ જાહેર શેરહોલ્ડિંગ 25 ટકા હોવી જોઈએ. આ નિયમને પૂર્ણ કરવા માટે રૂચી સોયાના પ્રમોટરોએ આ રાઉન્ડમાં ઓછામાં ઓછા 9 ટકા શેર વેચવા પડશે.
નોંધપાત્ર રીતે રૂચી સોયામાં પ્રમોટર ગ્રુપનો હિસ્સો 98.90 ટકા છે. મીડિયા અહેવાલો અનુસાર કંપની FPO થી મળેલા 60 ટકા નાણાં દેવાની ચૂકવણી માટે વાપરશે જ્યારે 20 ટકા કાર્યકારી મૂડી માટે ઉપયોગમાં લેવાશે અને બાકીના 20 ટકા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે.
2019 માં પતંજલિ આયુર્વેદે રૂચિ સોયાને નાદારી પ્રક્રિયા હેઠળ રૂ 4,350 કરોડમાં હસ્તગત કરી હતી. રૂચી સોયા મુખ્યત્વે તેલીબિયાંની પ્રક્રિયા, ખાદ્યતેલોને શુદ્ધ કરવા અને સોયા ઉત્પાદનોના ઉત્પાદન સાથે સંકળાયેલ છે. મહાકોષ સનરિચ, રૂચી ગોલ્ડ અને ન્યુટ્રેલા કંપનીની પ્રખ્યાત બ્રાન્ડ છે.