- કોરોના મહામારી વચ્ચે અર્થતંત્ર માટે શુભ સમાચાર
- વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપીમાં 20.1 ટકાનો ગ્રોથ જોવા મળ્યો
- વર્ષ 2021-22ના પ્રથમ ત્રમાસિકમાં જીડીપી 32.38 લાખ કરોડ રહી
નવી દિલ્હી: ભારતીય અર્થતંત્રને લઇને હવે શુભ સંકેતો મળી રહ્યા છે. નાણાકીય વર્ષ 2021-22ના પ્રથમ ત્રિમાસિકમાં દેશના જીડીપીમાં 20.1 ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે.
કોરોના મહામારીના સંકટકાળ વચ્ચે અર્થતંત્રને લઇને પહેલી વાર શુભ સમાચાર મળ્યાં છે. સરકાર દ્વારા જારી કરાયેલા તાજેતરના આંકડા પરથી સ્પષ્ટપણે જાણવા મળ્યું છે કે, નાણાકીય વર્ષ 2022ના પ્રથમ ત્રિમાસિક એટલે કે એપ્રિલ 2021 થી જૂન 2021 સુધીના દેશના જીડીપીમાં 20.1 ટકા જીડીપી ગ્રોથ થયો છે.
વર્ષ 2021-22ના પ્રથમ ત્રમાસિકમાં જીડીપી 32.38 લાખ કરોડ રહી છે જે વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિકામાં 26.95 લાખ કરોડ રૂપિયા હતી. એટલે કે પ્રતિવર્ષને આધારે જીડીપીમાં 20.01 ટકાની વૃદ્વિ જોવા મળી છે.
SBI ના Ecowrap સંશોધન અહેવાલમાં અનુમાન લગાવવામાં આવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં દેશનો GDP દર 18.5 ટકા થઈ શકે છે. તે જ સમયે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ અંદાજ લગાવ્યો હતો કે અર્થતંત્ર પ્રથમ ક્વાર્ટરમાં 21.4 ટકાનો દર દર્શાવી શકે છે.
કોરોના મહામારી દરમિયાન અર્થતંત્રને મોટો ઝટકો લાગ્યો હતો. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ ત્રિમાસિકમાં જીડીપીમાં 23.9 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો. ત્યારબાદ બીજા ત્રિમાસિકમાં જીડીપીમાં 7.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે ત્રીજા ત્રિમાસિકમાં 0.4 ટકા તો ચોથા ત્રિમાસિકમાં 1.6 ટકાનો ઘટાડો આવ્યો હતો.