- ઇ-કોમર્સ કંપની એમેઝોન મુશ્કેલીમાં મૂકાઇ
- કંપની વિદેશી મૂડીરોકાણ સંબંધિત નિયમોના ઉલ્લંઘનના ગુનામાં ફસાઇ
- EDએ એમેઝોન વિરુદ્વ કેસ દાખલ કર્યો
નવી દિલ્હી: ઇ-કોમર્સ કંપની એમેઝોન મુશ્કેલીમાં મૂકાઇ છે. કંપની હાલમાં વિદેશી મૂડીરોકાણ સંબંધિત નિયમોના ઉલ્લંઘનના ગુનામાં ફસાઇ ગઇ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ એમેઝોનની વિરુદ્વ ફોરેન એક્સચેન્જ એક્સ (FEMA) હેઠળ કેસ દાખલ કર્યો છે. ફ્યૂચર રિટેલની સાથે સોદામાં વિદેશી મૂડીરોકાણના નિયમોના ઉલ્લંઘનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
વાણિજ્ય મંત્રાલયે EDને એમેઝોન તેમજ ફ્લિપકાર્ટ જેવી ઇ-કોમર્સ કંપનીઓ વિરુદ્વ FDIના નિયમોનું કથિત ઉલ્લંઘનની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ત્યારબાદથી જ ઇડીએ એમેઝોનની વિરુદ્વ કેસ દાખલ કર્યો છે. તાજેતરમાં જ દિલ્હી હાઇકોર્ટે પણ ફ્યૂચર રિટેલ ડીલમાં એમેઝોન તરફથી વિદેશી મૂડીરોકાણના નિયમ ભંગની આશંકા વ્યક્ત કરી હતી.
દિલ્હી હાઇકોર્ટે ફ્યૂચર રિટેલ વિવાદમાં કહ્યુ હતુ કે એમેઝોન અનલિસ્ટેડ યુનિટની સાથે થયેલ સમજૂતીના આધારે ભારતીય કંપની પર અંકુશ મેળવવા ઇચ્છે છે. એવામાં એમેઝોનની વિરુદ્ધ FEMA અને FDI કાયદાના ઉલ્લંઘનની તપાસ થવી જોઇએ.
આપના જણાવી દઇએ ઑગસ્ટ 2019માં એમેઝોને ફ્યૂચર કૂપંસમાં 49 ટકા હિસ્સેદારી ખરીદી હતી. તેની માટે એમેઝોને 1500 કરોડ રૂપિયાની ચૂકવણી કરી હતી. આ ડીલમાં શરત હતી કે એમેઝોનને ત્રણથી 10 વર્ષની મુદ્દત બાદ ફ્યૂચર રિટેલ લિમિટેડની હિસ્સેદારી ખરીદવાનો અધિકાર મળશે.
ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં ભારતીય શેરબજાર નિયામક સેબીએ રિલાયન્સ અને ફ્યૂચર ગ્રૂપ વચ્ચેની ડીલને મંજૂરી આપી દીધી છે. રિલાયન્સ અને ફ્યૂચર ગ્રૂપની વચ્ચે ઓગસ્ટ 2020માં 24,713 કરોડ રૂપિયાની ડીલ થઇ હતી. આ ડીલ હેઠળ ફ્યૂચર ગ્રૂપનો રિટેલ, હોલસેલ અને લોજિસ્ટિક્સ બિઝનેસ રિલાયન્સ વેન્ચર્સ લિમિટેડને વેચવામાં આવશે.
(સંકેત)