Site icon Revoi.in

ડિસેમ્બર 2020માં દેશના 8 કોર સેક્ટરના ઉત્પાદનમાં 1.3 ટકાનો ઘટાડો

Social Share

નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે ડિસેમ્બર, 2020માં 8 કોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના ઉત્પાદનમાં 1.3 ટકાનો ઘટાડો થયો છે. સળંગ ત્રીજા મહિને કોર સેક્ટરના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ડિસેમ્બર, 2020માં ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ, ખાતર, સ્ટીલ અને સિમેન્ટ સેક્ટરનો દેખાવ નબળો રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ડિસેમ્બર 2019માં કોર સેક્ટરના ઉત્પાદનમાં 3.1 ટકાનો વધારો થયો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. ડિસેમ્બર, 2020માં કોલસા અને વીજળી સિવાયના તમામ સેક્ટરના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે.

એપ્રિલ, 2020થી ડિસેમ્બર, 2020 સુધીના ગાળામાં કોર સેક્ટરના ઉત્પાદનમાં કુલ 10.1 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે 2019માં સમાન ગાળામાં કોર સેક્ટરના ઉત્પાદનમાં 0.6 ટકાનો વધારો થયો હતો.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર ડિસેમ્બર, 2020માં ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ, ફર્ટિલાઇઝર, સ્ટીલ અને સિમેન્ટ સેક્ટરના ઉત્પાદનમાં અનુક્રમે 3.6 ટકા, 7.2 ટકા, 2.8 ટકા, 2.9 ટકા, 2.7 ટકા અને 9.7 ટકાનો ઘટાડો થયો છે.

ડિસેમ્બર, 2020માં કોલસના ઉત્પાદનમાં 2.2 ટકાનો વધારો થયો છે જ્યારે ગયા વર્ષે સમાન ગાળામાં કોલસાના ઉત્પાદનમાં 6.1 ટકાનો વધારો થયો હતો. ડિસેમ્બર, 2020માં વીજળીના ઉત્પાદનમાં 4.2 ટકાનો વધારો થયો છે.

આ દરમિયાન કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2091-20ના જીડીપીના આંકડા રિવાઇઝ કર્યા છે. સરકારે અગાઉ જાહેર કરેલા આંકડા મુજબ 2019-20માં જીડીપી 4.2 ટકા રહ્યો હતો. હવે સરકારે આ આંકડા રિવાઇઝ કર્યા છે અને જીડીપી ઘટાડીને 4.0 ટકા કર્યો છે.

(સંકેત)