દેશમાં રોજગારીનું ચિત્ર સુધર્યું, સપ્ટેમ્બરમાં 15.41 લાખ સભ્યો EPFO સાથે જોડાયા
- દેશમાં રોજગારી વધી
- સપ્ટેમ્બરમાં EPFO સાથે 15.41 લાખ સભ્યો જોડાયા
- જે ઓગસ્ટ 2021 કરતા 13 ટકા વધુ છે
નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન દેશમાં ધંધા-વેપાર ઠપ્પ થઇ ગયા હોવાને કારણે અનેક જગ્યાએ કંપનીઓમાંથી કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી અને બેરોજગારી પણ વધી હતી. જો કે હવે કોરોના મહામારીનો પ્રકોપ ઓછો થતા દેશમાં ફરીથી રોજગારી વધી છે.
સપ્ટેમ્બર 2021માં 15.41 લાખ લોકો EPFOમાં જોડાયા છે, જે ઓગસ્ટ 2021 કરતા 13 ટકા વધુ છે. ઓગસ્ટના ડેટા પર નજર કરીએ તો EPFO સાથે 13.60 લાખ સભ્યો જોડાયા હતા. ખાસ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, હરિયાણા, તામિલનાડુ અને કર્ણાટકમાં સૌથી વધુ રોજગારીનું સર્જન થયું છે. આ રાજ્યોમાંથી કુલ 9.41 લાખ ગ્રાહકો જોડાયેલા છે.
રોજગારીના ડેટા અનુસાર, 22-25 વર્ષની વયના ગ્રાહકોની સંખ્યા સૌથી વધુ છે. આ વયના ગ્રાહકોની સંખ્યા 4,.12 લાખ છે. આ પછી, 18-21 વર્ષની વય શ્રેણીમાં 3.18 લાખ ગ્રાહકો ઉમેરાયા છે. જે દર્શાવે છે કે પ્રથમ વખત નોકરીમાં જોડાનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે.
નોંધનીય છે કે, EPFOમાં દર મહિને સરેરાશ 7 લાખ નવા સભ્યો જોડાય છે. 2020-21માં EPFO સાથે કુલ 77.08 લાખ નવા સભ્યો જોડાયેલા હતા. EPFO દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2019-20માં 78.58 લાખ નવા સભ્યો EPFOમાં જોડાયા છે.