- EPFOએ ખાતાધારકો માટે વ્હોટ્સએપ સેવા કરી શરૂ
- તેનાથી ખાતાધારકોને અલગ અલગ 22 સેવાઓ પ્રાપ્ત થશે
- ખાતાધારકોની સમસ્યાના ઝડપી નિરાકરણ માટે આ સેવા કરાઇ શરૂ: શ્રમ મંત્રાલય
નવી દિલ્હી: EPFOએ હવે તેમના ખાતાધારકો માટે નવી સેવા શરૂ કરી છે. EPFO દ્વારા તેમના ખાતાધારકો માટે Whatsapp હેલ્પલાઇન સર્વિસ શરૂ કરવામાં આવી છે. શ્રમ મંત્રાલય અનુસાર ખાતાધારકોને થતી કોઇપણ સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવી શકાય તે હેતુસર આ સેવા શરૂ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા, વેબસાઇટ, 24 કલાક કાર્યરત હેલ્પલાઇન સેવા ઉપરાંત હવે PF ખાતાધારકો વોટ્સએપના માધ્યમથી પણ PF ઓફિસનો સંપર્ક કરી શકશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, હાલમાં EPFOની 138 સ્થાનિક ઓફિસોમાં વ્હોટ્સએપ હેલ્પલાઇન નંબર કાર્યરત થઇ ગયા છે. કોઇપણ ખાતાધારક ગમે તે સવાલનો જવાબ આ માધ્યમથી મેળવી શકે છે. તેનું PF એકાઉન્ટ જે ઓફિસમાં આવેલું હોય, તેનો તે વોટ્સએપ પર સીધો સંપર્ક કરી શકશે. EPFOની અધિકૃત વેબસાઇટના હોમ પેજ પર તમામ ઓફિસોનો વ્હોટ્સએપ નંબર દર્શાવવામાં આવ્યા છે.
વ્હોટ્સએપના માધ્યમથી આ સર્વિસ ઉપલબ્ધ થશે
- કોવિડ એડવાન્સ
- ઇપીએફ ટ્રાન્સફર
- UAN એક્ટિવેશન
- કેવાયસી અપડેટેશન
આ ઉપરાંત 18 અલગ અલગ સર્વિસનો પણ સમાવેશ થાય છે. શ્રમ મંત્રાલય અનુસાર ખાતેદારને કોઇ તકલીફ ના પડે તે માટે એક્સપર્ટની ટીમ પણ રોકવામાં આવી છે.
EPFOના દાવા અનુસાર તેણે અત્યારસુધી 1,64,040 જેટલી ક્વેરી વ્હોટ્સએપ દ્વારા સોલ્વ કરી છે. આ સર્વિસ શરૂ થવાથી ટ્વીટર અને ફેસબૂક પરનો ઘસારો પણ ઘટી ગયો છે. કોરોનાને કારણે મોટા ભાગના લોકો આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યા છે ત્યારે PF ઉપાડનાર લોકોની સંખ્યા પણ વધી છે ત્યારે આ સુવિધાથી PF ઓફિસ ધક્કા ખાવાની જરૂર નહીં પડે અને ખાતાદારના સમયની પણ બચત થશે.
(સંકેત)