SIPનો સતત વધતો ક્રેઝ, નવેમ્બરમાં SIPમાં રેકોર્ડ રૂ 11 હજાર કરોડનો ઇનફ્લો નોંધાયો
- રોકાણકારોનો SIP તરફ ઝોક વધ્યો
- નવેમ્બરમાં SIPમાં રેકોર્ડ રૂ.11 હજાર કરોડનો ઇનફ્લો નોંધાયો
- ગોલ્ડ ઇટીએફનું પણ આકર્ષક યથાવત
નવી દિલ્હી: હવે રોકાણકારો બેંકમાં એફડી પર મળતા નજીવા વ્યાજદરોને કારણે તેમાં હવે ઓછું રોકાણ કરી રહ્યા છે અને લાંબા ગાળે વધુ રિટર્ન આપતા સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)માં રોકાણ કરી રહ્યા છે. નવેમ્બર મહિનામાં SIPમાં રેકોર્ડ રૂ. 11004 કરોડનું નવું રોકાણ આવ્યું છે. તે ઉપરાંત ઇક્વિટી મ્યુ.ફંડ્સમાં સતત નવમાં મહિને નવું રોકાણ ચાલુ રહેતા નવેમ્બરમાં રૂ. 11614 કરોડનો ઇનફ્લો નોંધાયો છે.
તાજેતરમાં એમ્ફીએ આંકડા જારી કર્યા હતા. શેરબજારમાં વોલેટિલિટી વચ્ચે પણ નવેમ્બરમાં સમગ્ર મ્યુ. ફંડ્સ ઉદ્યોગમાં રૂ. 46,165 કરોડનું ચોખ્ખું નવું રોકાણ આવ્યું છે અને સાથે કુલ એસેટ્સ વધીને રૂ. 37.34 લાખ કરોડ થઇ છે.
ઇક્વિટી ફંડ્સમાં ફ્લેક્સીકેપ ફંડ અને લાર્જકેપ સ્કીમમાં અનુક્રમે રૂ. 2660 કરોડ અને રૂ. 1624 કરોડનું રોકાણ આવ્યુ છે. બોન્ડ ફંડ્સમાં રૂ. 14,893 કરોડનો નેટ ઇનફ્લો નોંધાયો છે.
મહત્વનું છે કે, ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમવાર ક્લોઝ-એન્ડેડ કેટેગરી, જેવી કે નિશ્ચિત પાકતી મુદતની યોજનાઓ દ્વારા આગેવાની હેઠળની ઇન્કમ/ડેટ- ઓરિએન્ટેડ સ્કીમ્સમાં પણ ઇનફ્લો જોવા મળ્યો છે પણ તે માત્ર રૂ. 6.97 કરોડ હતો.
બીજી તરફ ગોલ્ડ ઇટીએફનું પણ આકર્ષક યથાવત રહેતા ઓક્ટોબરના રૂ.303 કરોડની સામે બમણી વૃદ્ધિ સાથે નવેમ્બરમાં રૂ. 682 કરોડનું નવુ રોકાણ આવ્યુ છે.