Site icon Revoi.in

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહિત કરવા માટે હવે ઇલેક્ટ્રિક વાહનોનું રજીસ્ટ્રેશન નિ:શુલ્ક કરાયું

Social Share

નવી દિલ્હી: દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવાની દિશામાં સરકાર હવે પ્રયાસરત છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે બેટરીથી સંચાલિત ગાડીઓનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ જારી કરવા અથવા રીન્યુઅલ માટે કોઇ ચાર્જ નહીં લેવાની જાહેરાત કરી છે. ઇલેક્ટ્રિક વાહનોના નવા રજીસ્ટ્રેશન માટે કોઇ ચાર્જ નહીં લેવામાં આવે એટલે કે નવી રજીસ્ટ્રેશન હવે મફત થશે.

સરકારના આ નિર્ણય બાદ ઇ-સ્કૂટર તેમજ બાઇક ખરીદનારને રૂ.1000નો અને ઇલેક્ટ્રિક કાર ખરીદનારા ગ્રાહકોને 4,000 રૂપિયાનો ફાયદો થશે.

કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્યોએ પણ EVનું ચલણ વધારવા ઈન્સેન્ટિવ આપવાનું શરૂ કર્યું છે. છેલ્લા એક માસ દરમિયાન મહારાષ્ટ્ર,ગુજરાત અને રાજસ્થાને ઇલેક્ટ્રિક વ્હીકલ ઈંસેંટીવ પોલિસી લાગુ કરી છે, જ્યારે 20 રાજ્યો નીતિ તૈયાર કરી રહ્યા છે. જે રાજ્યોએ ઈન્સેન્ટિવ આપવાનું શરૂ કર્યું છે, ત્યાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમતમાં 40 ટકા સુધીનો ઘટાડો થયો છે.

નોંધનીય છે કે, જુલાઈની શરૂઆતમાં કેન્દ્ર સરકારે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ સ્કીમનો સમયગાળો બે વર્ષ વધારીને 31 માર્ચ 2024 કરી દીધો છે. અગાઉ આ યોજના એપ્રિલ,2022માં ખતમ થવાની હતી.